ઉકાઈ ડેમમાંથી 1.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા હરીપુરાનો તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરક: 15 ગામોનો સંપર્ક કપાયો

બારડોલી : ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા  બારડોલીના હરિપુરા ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં 15 થી વધુ ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાયો છે. તાપી નદીમાં પાણીની સપાટી સતત વધી રહી હોય જિલ્લા કલેક્ટર દ્વારા તાપી નદી કિનારાના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.

હરીપુરા કોઝવે પાણીમાં ગરક

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 1.49 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ઉકાઈ ડેમમાં પાણીની સતત વધી રહેલી આવકને કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના 13 દરવાજા ખોલી 1 લાખ 88 હજાર 792 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહયું છે. જેને કારણે તાપી નદીમાં જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી 60 હજાર ક્યુસેક પાણી છોડયું હતું.  હાલ 1.89 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી  છોડાય એટલે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે અને કોઝવે પર અવર જવર બંધ થઈ જાય છે. વર્ષો જૂની આ સમસ્યાને કારણે વિસ્તારના લોકો ત્રાસી ગયા છે. હરીપુરા કોસાડી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળવાથી સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં 15 જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક કપાય ગયો છે. તેમણે 25 થી 30 કિમી સુધીનો ચકરાવો લગાવવો પડે છે. બીજી તરફ કોઝવેની બંને તરફ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને.

કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાત વર્ગ તેમજ  આરોગ્યને લાગતી ઈમરજન્સી સેવાઓને માઠી અસર થાય છે. ત્યારે ખાતમુહૂર્ત બાદ પણ બ્રિજ માટેની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.