પાકિસ્તાનના લાહોરમાં 1200 વર્ષ જૂના મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવશે

મંદિર પર એક ખ્રિસ્તી પરિવારનો કબજો હતો. આ પરિવાર છેલ્લા બે દાયકાથી મંદિરમાં માત્ર વાલ્મિકી જાતિના હિન્દુઓને જ પૂજા કરવા દેતો હતો.

પાકિસ્તાનના લાહોરમાં 1200 જૂના હિન્દુ મંદિરનો ફરી એક વખત જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ મંદિર પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો. મંદિર ખાલી કરાવવા માટે લોકોએ લાંબી લડાઈ લડવી પડી હતી.

ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB), એક સંઘીય સંસ્થા જે પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે પૂજા સ્થાનોની દેખરેખ રાખે છે, તેણે ગયા મહિને એક ખ્રિસ્તી પરિવાર પાસેથી લાહોરના પ્રખ્યાત અનારકલી માર્કેટ પાસેના વાલ્મિકી મંદિરનો કબજો લીધો હતો. હિંદુ ધર્મ અપનાવવાનો દાવો કરનાર ખ્રિસ્તી પરિવાર છેલ્લા બે દાયકાથી માત્ર વાલ્મિકી જાતિના હિંદુઓને મંદિરમાં પૂજા કરવાની મંજૂરી આપતું હતું.

ETPBના પ્રવક્તા અમીર હાશ્મીએ જણાવ્યું હતું કે ‘માસ્ટર પ્લાન’ના ભાગરૂપે આગામી દિવસોમાં વાલ્મિકી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આજે વાલ્મીકિ મંદિરમાં 100 થી વધુ હિન્દુ, કેટલાક શીખ અને ખ્રિસ્તી નેતાઓ એકઠા થયા હતા. હિન્દુઓએ તેમની ધાર્મિક વિધિઓ કરી હતી અને લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું.