સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર રાજ્યમાં 1 ઓગસ્ટથી નારી વંદન ઉત્સવ કાર્યક્રમ રાજ્યભરમાં ઉજવાઈ રહ્યા છે. જે અંતર્ગત ૦૫ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

….આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સેશન્સ કોર્ટ સાથે સંકળાયેલા એડવોકેટ વી. કે. રાઠોડે જણાવ્યું હતું કે સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓની સુરક્ષા માટે વર્ષ 2013 થી જાતીય સતામણી અધિનિયમ 2013 અમલમાં મુકાયો છે. જાતીય સતામણીનો કિસ્સો બને તો જાતીય સતામણી અધિનિયમ 2013 મહિલાઓને મદદરૂપ બને છે. વધુમાં તેમણે ‘જાતીય સતામણી’ ની પ્રાથમિક માહિતી આપી જણાવ્યું કે, જાતીય સતામણીના કિસ્સામાં ભોગ બનનાર મહિલા સ્થાનિક આંતરિક ફરિયાદ સમિતિમાં અથવા તો સીધી પોલીસ ફરિયાદ પણ કરી શકે છે. આ અધિનિયમ હેઠળ સરકારી કચેરીમાં ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા 10 સભ્યો હોય છે. આ સમિતિના અધ્યક્ષ પણ મહિલા અધિકારીને જ નિયુક્ત કરવામાં આવે છે. જો સ્થાનિક કક્ષાએ કચેરીમાં આવી કોઈ સમિતિ ન હોય તો જિલ્લા કક્ષાની ફરિયાદ સમિતિમાં ફરિયાદ કરી શકાય છે. આ સમિતિ દર ત્રણ મહિને મળતી હોય છે. સમિતિ દ્વારા નિષ્પક્ષ રીતે મહિલાને ઘટીત વિગતોની પૂછપરછ કરવામાં આવે છે. તથા તપાસ પૂર્ણ થયાના દસ દિવસમાં જ જિલ્લા અધિકારીને વિગતો મોકલી આપવામાં આવે છે. તથા માનસિક ત્રાસ ગુજારનાર સામે કડકમાં કડક પગલાઓ લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો માનસિક ત્રાસ ગુજારના પગારમાંથી મહિલાને વળતર પણ ચૂકવવામાં આવે છે જેવી બાબતો પર વિસ્તૃત જાણકારી આપી હતી.
…વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે આ અધિનિયમ અંતર્ગત એક એવી પણ જોગવાઈ છે કે સંપૂર્ણ કિસ્સામાં જો મહિલા ખોટી રીતે ફરિયાદ કરે તો એ ફરિયાદ માન્ય રાખવામાં નથી આવતી. આ પ્રસંગે મનોવિજ્ઞાન નિષ્ણાત મહેશભાઈ લાઘણોજાએ ‘માનસિક સ્વાસ્થ્ય’ વિષય સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે નોકરીના કાર્યકાળ દરમિયાન માનસિક સ્વાસ્થયને જાળવીને કાર્યશૈલીને ખૂબ સરળ રાખવી જોઈએ. માનસિક આરોગ્યની બાબતો વિશે મહેશભાઈએ વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમની શરુઆતમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ મહિલાઓને જાતીય સતામણી થાય તેવા કિસ્સાઓમાં કાનૂની જોગવાઈ મુજબ અધિનિયમ 2013 ની પ્રાથમિક સમજૂતી તથા ન્યાય માટે સામાન્ય કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની સાચી સમજણ પ્રતિકાર ટૂંકી ફિલ્મ દ્વારા સમજાવવામાં આવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ મહિલા બાળ કલ્યાણ અધિકારી જલ્પાબેન ચંદેશરા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના અલગ અલગ વિભાગમાં કામ કરતા મહિલા કર્મયોગીઓ હાજર રહ્યા હતા.