બીલીમોરા: બીલીમોરાથી વઘઇ વચ્ચે નેરોગેજ લાઇન હેરીટેજ રૂટ ઉપર હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનની જાહેરાત થતા લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો. આ હેરીટેજ રૂટ ઉપર દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી. જેને કારણે આ રૂટ ગ્રીન કોરિડોર બનશે. ઇકો ફ્રેન્ડલી ટ્રેનને કારણે આદિવાસી પટ્ટાનો સર્વાંગી વિકાસ થશે. ગુજરાતમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે. ગુજરાતના બોલીમોરા અને વઘઇ વચ્ચે હાઇડ્રોજન ટ્રેન ચાલુ કરવામાં આવશે. આ ટ્રેન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસી લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. જેમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસ સ્થળો અને ત્યાંના વિસ્તારના વિકાસને પ્રોત્સાહનરુપ બની રહે છે.
આ સમયે કેન્દ્ર સરકારે અને રેલવે વિભાગે હાઇડ્રોજન ટ્રેન દોડતી કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’.જેમાં રેલવે વિભાગે પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે હાઈડ્રોજન ટ્રેન ચલાવશે. જેમાં દેશના આઠ સ્થળો પૈકી ગુજરાતનું બોલીમોરા પણ સમાવેશ છે. ગુજરાતમાં હાઇડ્રોજન ટ્રેન બોલીમોરા અને વઘઇ નેરોગેજ લાઇન પર ચાલુ કરવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવાર બપોરે હેરીટેજ રૂટ ઉપર દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં બીલીમોરા વઘઇ વચ્ચે 62 કિલોમીટરની નેરોગેજ લાઇનનું વિસ્તૃતીકરણ કરી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરાશે.
છેલ્લા 111 વર્ષથી નેરોગેજ રેલવે ટ્રેન અંગ્રેજ શાસનમાં શરૂ થઈ હતી. જંગલની વિવિધ પેદાશ અને ઇમારતી લાકડું વઘઇ સ્ટેશનથી 62 કીમી દૂર બીલીમોરા બંદરેથી વિદેશમાં નિકાસ કરાતું હતું. આર્થિક રીતે પરવડે તેમ નહીં હોવાના કારણે થોડા સમય માટે આ ટ્રેન બંધ પણ કરાઈ હતી. ટ્રેનના મળેલા હેરીટેજ દરજ્જાને ધ્યાને લઇ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જેને કારણે આ રૂટ ગ્રીન કોરિડોર બનશે. મુસાફરો આરામદાયક, સુવિધાજનક ઝડપી મુસાફરી માણી શકશે. ઇકો ફ્રેન્ડલી ટ્રેનને કારણે આદિવાસી પટ્ટાનો સર્વાંગી વિકાસ થશે. જો કે આ પ્રારંભિક તબક્કે ટ્રેનની ટેક્નિકલ ખૂબીઓ અંગે માહિતી પૂરેપૂરી પ્રાપ્ત નથી. તેમ છતાં સમગ્ર પંથકમાં આનંદ વ્યાપી ગયો હતો.