અલ-ઝવાહિરીના મોત બાદ હવે અલ-કાયદાનું શું થશે તેની ચર્ચાએ જોર પકડ્યું

એવી ચર્ચા છે કે સૈફ અલ-અદેલ અલ- કાયદાના તેના ત્રીજા નેતા બની શકે છે. તે ઇજિપ્તની સેનામાં કર્નલ હતો. તેને 1988માં તાંઝાનિયા અને કેન્યામાં અમેરિકી દૂતાવાસો પર થયેલા આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે.

અમેરિકી ડ્રોન હુમલામાં અયમાન અલ-ઝવાહિરીના મોત બાદ આતંકી સંગઠન અલ-કાયદાના ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી છે. અલ-ઝવાહિરી સપ્ટેમ્બર 2011માં અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. અલ-કાયદામાં તેનો દરજ્જો માર્યા ગયેલા આતંકવાદી ઓસામા બિન-લાદેન પછી બીજા ક્રમે હતો. પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી કાર્યવાહીમાં ઓસામા માર્યા ગયા બાદ 2011માં અલ-જવાહિરી અલ-કાયદાનો નેતા બન્યો હતો.

સોમવારે એક ટીવી પ્રસારણમાં યુએસ પ્રમુખ જો બિડેને અલ-ઝવાહિરીના મોતની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પરત ફર્યાના લગભગ એક વર્ષ બાદ અમેરિકાને આ સફળતા મળી હતી. ત્યારથી નિષ્ણાતોમાં એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું તેની સાથે અલ-કાયદાનો અંત આવશે.

નિષ્ણાતોનો મત છે કે અલ-કાયદા હજુ પણ વિશ્વના ઘણા ભાગોમાં હાજરી ધરાવે છે. આથી શક્ય છે કે ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી જે રીતે સંગઠન સતત સક્રિય રહ્યું હતું તે જ રીતે અલ-ઝવાહિરીના મૃત્યુ પછી પણ સંગઠન સક્રિય થશે. અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલા તાલિબાનને અલ-કાયદાનો નજીકનો સહયોગી માનવામાં આવે છે. ગયા વર્ષે તાલિબાનના સત્તામાં આવવાને પણ અલ-કાયદાની સફળતા માનવામાં આવી હતી.

તાલિબાને અલ-ઝવાહિરી પરના ડ્રોન હુમલાની આકરી ટીકા કરી છે. તેણે કહ્યું છે કે અમેરિકાએ આ હુમલો કરીને દોહા મંત્રણા દરમિયાન થયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ હુમલા બાદ તાલિબાન સાથે અમેરિકાના સંબંધો બગડી શકે છે.