PM મોદીની સુરક્ષામાં ફરી થઈ ચૂક, હેલિકોપ્ટર ટેકઓફ થતાં જ કોંગ્રેસના કાર્યકર્તાએ કાળા ફુગ્ગા ઉડાવ્યા

પીએમ મોદી સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા.

ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો સામે આવ્યો છે. આ વખતે આંધ્રપ્રદેશના પ્રવાસ દરમિયાન વિજયવાડામાં આ ઘટના બની હતી. અહીં પીએમ મોદીના હેલિકોપ્ટરના ટેક-ઓફ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કાળા ફુગ્ગા છોડ્યા હતા. એસપી સિદ્ધાર્થ કૌશલે જણાવ્યું કે આ ઘટના ગન્નાવરમ એરપોર્ટ પર બની હતી. આ મામલામાં કોંગ્રેસના ત્રણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા છોડવામાં આવેલા કાળા ફુગ્ગા પીએમ મોદીના હેલિકોપ્ટરની ખૂબ નજીક હતા. પીએમની સુરક્ષામાં આને મોટી ખોટ માનવામાં આવી રહી છે. કોંગ્રેસના કાર્યકરોએ ફુગ્ગા ઉડાડતા ‘નરેન્દ્ર મોદી ગો બેક’ના નારા પણ લગાવ્યા હતા. આ પહેલા પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા પીએમના પંજાબ પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ગેરરીતિનો મોટો મામલો સામે આવ્યો હતો.

નોંધનિય છે કે, પીએમ મોદી સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. અહીં પીએમએ તેમની કાંસાની બનેલી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ‘હું આંધ્રની આ ભૂમિની મહાન આદિવાસી પરંપરાને, આ પરંપરામાંથી જન્મેલા તમામ મહાન ક્રાંતિકારીઓ અને બલિદાનોને નમન કરું છું. સીતારામ રાજુ ગરુની 125મી જન્મજયંતિ અને રામપા ક્રાંતિની 100મી વર્ષગાંઠ આખા વર્ષ દરમિયાન ઉજવવામાં આવશે.