બારડોલી : લાખોનો વિદેશી દારૂ થઈ રહ્યો હતો સગેવગે, 4.94 લાખનો જથ્થો કબ્જે

બારડોલી: પલસાણા પોલીસ મથક વિસ્તારના અમલસાડી ગામ નજીક ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ સગેવગે થાય તે પહેલાં જ જિલ્લા એલ.સી.બી.ની ટીમે છાપો મારી ટ્રકમાંથી 4.94 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી ખાતે રહેતો લિસ્ટેડ બુટલેગર લાલુ કાંતુ રાઠોડ તથા પલસાણા તાલુકાના એના ગામનો વિરાંગ ઉર્ફે બિન્ટુ રમેશ રાઠોડ એક ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂ ભરી લાવી પલસાણા તાલુકાના અમલસાડી ગામે ઉત્તરબુનિયાદી શાળાની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાં લાવી દારૂનો જથ્થો સંગેવગે કરનાર છે અને આ ટ્રકની બાજુમાં એક ઈસમ બેસેલ છે. આ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જો કે પોલીસને જોઈને સ્થળ પરથી શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસને મળી આવેલી ટ્રકમાંથી 3840 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 4 લાખ 94 હજાર 400 મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક કિંમત રૂ. 4 લાખ અને અન્ય સામાન મળી કુલ 8 લાખ 99 હજાર 600 રૂ.નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુનામાં લાલુ કાંતુ રાઠોડ, વિરાંગ રાઠોડ અને ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.