પોરબંદરની અમે. કે. ગાંધી શાળામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા

પોરબંદર શહેરમાં બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે પોરબંદરની અમે. કે. ગાંધી શાળામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. આ શાળાના પટાગણમાં વરસાદી પાણીનો ભરાવો થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડી રહી છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ શાળાનું પટાગણ પાણીથી તરબોળ બની જાય છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલીત એમ. કે. ગાંધી શાળા અગાઉ એમ.ઇ.એમ. સ્કૂલથી જાણીતી હતી. આ શાળામાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના કનેકશનો આપવામાં આવ્યા છે. પરંતુ તેના નિકાલ માટેની જે વ્યવસ્થા કરવી જોઇએ તે જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આ અગાઉ પણ વરસાદી પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે શાળાના સંચાલકોએ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નહીં કરાતા છેલ્લા બે દિવસથી આ શાળાના પટાગણમાં વરસાદી પાણી હિલોળા મારી રહ્યું છે અને તેમાં શ્વાન સ્નાન કરતા પણ નજરે પડે છે. વરસાદી પાણીને કારણે શાળાએ આવતા નાના ભૂલકાઓને મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં આ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગાંધી શાળાને આ વરસાદી પાણીમાંથી આઝાદી ક્યારે મળશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.