સમ્રાટ નગરમાં ભૂગર્ભ ગટર સાફ કરતી સમયે ગેસ ગળતરથી 2ના મોત, પરિવારનું હૈયાફાટ આક્રંદ

શહેરમાં અવારનવાર ગટર સાફ કરતી વેળા સફાઇ કામદારનું મોત નીપજે છે. ત્યારે ફરી એકવાર ગટર સાફ કરતી વખતે સફાઇ કામદાર અને સફાઇ કોન્ટ્રાક્ટરનું ગટરના સફાઇ કામ સમયે મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં મેહુલ નામનો વ્યક્તિ ભૂગર્ભ ગટરની સફાઈ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે સફાઇ કોન્ટ્રાક્ટર અફઝલ ગટરમાં ઊતર્યો હતો. ત્યારે બંનેને ગેસની અસર થતા મેહુલ અને અફઝલ બંને બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની ટીમને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે 108એ ઘટનાસ્થળે જઈ બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

ત્યારે હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. જેને લઈને બંને વ્યક્તિના પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. સમ્રાટ સોસાયટી મેઇન રોડ પર ગઈકાલે બપોરના સમયે ભૂગર્ભ ગટરની સાફ-સફાઈની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી એક મજૂર ભૂગર્ભ ગટરમાં બેભાન થઈ ગયો હતો. આ મજૂરને બચાવવા માટે કોન્ટ્રાક્ટર પણ ભૂગર્ભમાં ઉતર્યો હતો. જેમાં બંન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા,તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદથી બંન્નેને બેભાન હાલતમાં બહાર કાઢી 108 મારફતે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મેહુલને ગેસ ગળતરની અસર થઈ તેને બચાવવા અફઝલ કુદી પડ્યો
આ અંગે સિવીલ હોસ્પિટલમાં ઉપસ્થિત એક સાથી મજૂરે કહ્યું હતું કે સાંજના સમયે મવડી ફાયર સ્ટેશન નજીકની સોસાયટીમાં ભૂગર્ભ ગટર સાફ કરવા માટેની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન ગટરનું ઢાંકણ ખોલતા જ મેહુલ મેસડા નામના મજૂરને ઝેરી ગેસની અસર થઇ હતી અને તે ભૂગર્ભમાં પડી ગયો હતો તેને બચાવવા માટે કોન્ટ્રાક્ટર અફઝલ પણ દોરડું લઇને કુદી ગયો હતો. બંન્નેને ઝેરી અસર થતા તેઓ બેભાન થઇ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે બંન્નેને ગંભીર હાલતમાં બહાર કાઢીને સિવીલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા જો કે ત્યાં તબીબે બંન્નેને મૃત જાહેર કર્યા હતા.

પુરતા સાઘન હતા જો કે ઢાંકણ ખોલતા જ મજૂર બેભાન થયો
ઘટનાની ગંભીરતાને જોતા શાસક પક્ષના નેતા વિનુ ઘવા અને રાજકોટ મહાનગરપાલિકાના સીટી ઇજનેર સહિતના અધિકારીઓ સિવીલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ ઘટના અંગે સીટી ઇજનેર એચ.એમ.કોટકે કહ્યું હતું કે ભૂગર્ભ ગટર સાફ સફાઇ માટેના તમામ સાધન સામગ્રી ત્યાં ઉપસ્થિત છે. જો કે મેઇન હોલ ખોલતા સમયે આ ઘટના બની છે. જો કે આ કિસ્સામાં મહાનગરપાલિકા પુરતી તપાસ કરાવશે અને કઇ રીતે ઘટના બની તેની સમિક્ષા કરીને નિયમ મુજબની તમામ કાર્યવાહી કરશે.

ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવામાં આવે
આ અંગે વાલ્મિકી સમાજના અગ્રણી બટુકભાઇ વાઘેલાએ કહ્યુ હતું કે આ ઘટના દુ:ખદ છે તેટલી જ ગંભીર પણ છે સરકારે ભૂગર્ભ ગટરમાં ઉતરવાની મનાઇ કરી છે તો આ મજૂરને શા માટે ગટરમાં ઉતરવા દીધો તે સવાલ છે,આ કિસ્સામાં જ્યાં સુધી પરિવારજનોને વળતર નહિ મળે અને ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહિ આવે.