ઠંડીની શરૂઆત થતા કચ્છમાં મીઠાઈના વેપારીઓ શિયાળો કિંગ કહેવાતા અડદિયા બનાવવાનું શરૂ કરતાં હોય છે. કચ્છની હાથ થીજાવતી ઠંડીમાં આ મીઠાઈ લોકોને ગરમાવો પૂરો પાડતી હોય છે. તો હવે કચ્છના મીઠાઈ વેપારીઓ અડદિયામાં પણ નવી નવી વેરાયટી લોકોને પીરસી રહ્યા છે. ડાયાબિટીસના કારણે મીઠાઈઓ ન ખાઈ શકતા લોકો માટે શુગર ફ્રી અડદિયા અને ગોળથી બનેલા ગોડદિયા તો વધારે ગરમ મસાલો ન ખાઈ શકતા હોય તેવા લોકો માટે હવે અડદિયા લાઈટ સહિત પાંચ પ્રકારના અડદિયા બજારમાં શરૂ થયા છે.
અડદની દાળથી બનતા અડદિયા શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપે છે. કચ્છની સિંગલ ડીજીટ તાપમાન વાળી ઠંડી માટે આ મીઠાઈ લોકો માટે ખૂબ ફાયદાકારક બને છે. અડદમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે તો અડદની આ મીઠાઈમાં દેશી ઘી ઉપરાંત 48 પ્રકારના મસાલા ઉમેરાતા તે શરીરને ગરમાવો આપે છે. તો વળી તેમાં કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ જેવા ડ્રાય ફ્રુટ ઉમેરાતા તે સ્વાસ્થ્યવર્ધક પણ બને છે. વર્ષોથી કચ્છના અડદિયા દેશ વિદેશમાં મશહૂર થયા છે ત્યારે હવે કચ્છના મીઠાઈ ધંધાર્થીઓએ અડદિયામાં પણ જરૂર મુજબ ફેરફારો કરી કંઈક નવું લાવ્યા છે.
રેગ્યુલર અડદિયા ઉપરાંત ખાંડ ન ખાતા લોકો માટે બે પ્રકારના અડદિયા હવે મળી રહે છે. અડદિયામાં ખાંડની બદલે ગોળ નાખી હવે મીઠાઈ ધંધાર્થીઓ ગોળદિયા વહેંચે છે. તો ઓછું મીઠું ખાવાનું પસંદ કરતા લોકો અથવા ડાયાબિટીસના કારણે મીઠું ન ખાઈ શકતા લોકો માટે ખાસ શુગર ફ્રી અડદિયા પણ બને છે જેમાં ખાંડનું સ્થાન લઈ શકે તેવું મીઠું પદાર્થ ઉમેરવામાં આવે છે. કચ્છી અડદિયાનો ચટકો કચ્છની બહાર પણ લોકોની જીભે વળગ્યો છે પરંતુ ઓછી ઠંડી હોય તેવી જગ્યાએ લોકો વધારે ગરમ મસાલો ખાવાનું પસંદ ન કરતા હોય ત્યારે તેમના માટે ઓછા મસાલા અને ઓછા ઘી વાળા અડદિયા લાઈટ પણ હવે બજારમાં ઉપલબ્ધ છે.
તો આ પ્રકારના અડદિયાના ભાવ પણ ઓછા રહે છે. બીજી તરફ અતિશય ઠંડી વાળી જગ્યામાં રહેતા લોકો માટે ખાસ સ્પેશ્યલ અડદિયા પણ કચ્છમાં બને છે જેમાં રેગ્યુલર કરતા વધારે ઘી મસાલા ઉપરાંત કેસર પણ ઉમેરવામાં આવે છે. આ અડદિયાનો ભાવ એક હાજર રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચે છે.