8 વર્ષમાં દેશમાં દરેક નવી ગાડી હશે ઇલેક્ટ્રિક, અત્યાર સુધી 13 લાખ EV રજિસ્ટર

ગ્રીન એનર્જી પર ફોકસ અને મોંઘા ડીઝલ-પેટ્રોલને કારણે સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. ભારતમાં સરકાર તરફથી મળતી સબસિડી પણ ઇલેક્ટ્રિક વાહનોની માંગને વેગ આપી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આગની અનેક ઘટનાઓ નોંધાયા બાદ માંગમાં થોડી અસર જોવા મળી હતી, પરંતુ આગામી વર્ષોમાં પરિસ્થિતિમાં સુધારો થવાની આશા છે. એક તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં 2030 સુધીમાં વેચાતા દર ત્રીજા નવા વાહન ઇલેક્ટ્રિક હશે.

આ રીતે વધી શકે ઇલેક્ટ્રિક વાહનોની માંગ

ક્લાઈમેટ એન્ડ એનર્જી થિંકટેંક ‘કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર’ના સ્ટડી પ્રમાણે 2030 સુધીમાં વેચાતા નવા વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનોની ભાગીદારી વધીને 30 ટકા થઈ જશે. ત્યાર બાદ આગામી 20 વર્ષ પછી એટલે કે 2050 સુધીમાં કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 75 ટકા સુધી પહોંચી જશે. સ્ટડી પ્રમાણે 2030 સુધીમાં નવા ટુ-વ્હીલર સેલમાં 50 ટકા ઇલેક્ટ્રિક હશે. બીજી બાજુ નવા થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના કેસમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 25 ટકાથી થોડો વધારે હશે.

CEEWનો અભ્યાસ ‘ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એનર્જી આઉટલુક’ જણાવે છે કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જોરશોરથી રોકાણ કરવું પડશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિને ટેકો આપવા માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સ્થાનિક સપ્લાય ચેઇનના વિકાસમાં પણ રોકાણ કરવું પડશે.

સરકાર ઈન્ફ્રાનો ઝડપથી વિકાસ કરી રહી છે

બીજી તરફ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અઠવાડિયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં લગભગ 13 લાખ ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંકડામાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપમાં નોંધાયેલા વાહનોનો સમાવેશ થતો નથી. તેમણે કહ્યું કે FAME-II યોજના હેઠળ 68 શહેરોમાં કુલ 2,877 જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 એક્સપ્રેસ વે અને 16 હાઈવે પર 1,576 ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

ભારતમાં હવે ઘણા રજિસ્ટર્ડ વાહનો છે

વાહન-4 પર ઉપલબ્ધ ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 13,34,385 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ છે. હાલમાં, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપનો ડેટા વાહન પોર્ટલ પર અપડેટ થતો નથી. ગડકરીએ સંસદમાં એવો પણ દાવો કર્યો હતો કે આ વર્ષે 14 જુલાઈ સુધી દેશમાં 2,826 સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન કાર્યરત હતા. એક અલગ પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે ભારતમાં હાલમાં 27,25,87,170 વાહનો નોંધાયેલા છે. આ 207 દેશોમાં કુલ 2,05,81,09,486 નોંધાયેલા વાહનોના 13.24 ટકા છે.