કડાકો / પ્રથમ વખત 50 રૂપિયાની નીચે Zomatoના શેર, જાણો કેમ આવ્યો તીવ્ર ઘટાડો

સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ ફૂડ ડિલિવરી ચેન કંપની ઝોમેટો (Zomato) ના સ્ટોકમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ઝોમેટોના શેર (Zomato Share Price) ની કિંમત 14.25 ટકા ઘટીને 46 રૂપિયાના સ્તરે પહોંચી હતી, જ્યારે શુક્રવારે શેર 53.65 રૂપિયા પર બંધ થયો હતો. હાલમાં શેર 47.10 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

ઝોમેટોના શેરોમાં કેમ આવ્યો તીવ્ર ઘટાડો?

જો ઝોમેટોના શેરમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો તેના બે મુખ્ય કારણો જણાવવામાં આવી રહ્યા છે. આ કારણો પર નજર નાખીએ

1. ઝોમેટોને શેર બજારમાં લિસ્ટ થયાના એક વર્ષ પૂરા થઈ ચુક્યા છે અને જે રોકાણકારો એક વર્ષના લોક ઈન પીરિયડમાં હતા, તેઓ હવે આ બંધનમાંથી મુક્ત થઈ ચુક્યા છે અને શેર વેચી શકે છે. શેરના નોન પરફોર્મન્સના કારણે બજારને ડર છે કે આ રોકાણકારો વેચવાલી કરી શકે છે, તેના માટે શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

2. જ્યારે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ (Jubilant FoodWorks) જે દેશમાં ડોમિનોઝ અને ડનકિન ડોનટ્સ (Dunkin Donuts)  રિટેલ ચેન ચલાવે છે , તે ઝોમેટો અને સ્વિગીના ઓનલાઈન એપથી ઓર્ડર લેવાનું બંધ કરી શકે છે. આ ખુલાસો જુબિલન્ટ ફૂડવર્કસ દ્વારા જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (Competition Commission Of India) ને સુપરત કરવામાં આવેલી ગોપનીય ફાઈલિંગમાં કરવામાં આવ્યો છે. એટલે કે તમને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (Zomato) એપ પર ડોમિનોઝ પિઝા નહીં મળે. આ કારણે ઝોમેટોના સ્ટોકમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઝોમેટોના શેરની ચાલ

સ્ટોક એક્સચેન્જ ( Stock Exchanges) માં લિસ્ટિંગ થયા પછી Zomato નો સ્ટોક તેની IPO કિંમતથી લગભગ 39.47 ટકા નીચે આવ્યો છે. Zomato નું માર્કેટ કેપિટલાઇઝેશન ( Market Capitalization) 37,000 કરોડ રૂપિયાની નીચે સરકી ગયું છે. ઉલ્લેખનીય છે કે Zomato નો સ્ટોક 169 રૂપિયાના સર્વોચ્ચ સ્તરથી 73 ટકાની નજીક આવી ગયો છે. જ્યારે Zomato નો સ્ટોક 169 રૂપિયા પર હતો ત્યારે તેનું માર્કેટ કેપ 1.33 લાખ કરોડ રૂપિયાની નજીક હતું. એટલે કે આ સ્તરેથી માર્કેટ કેપમાં 96,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.