જેસીઆઇ દ્વારા આયોજિત વોઇસ ઓફ પોરબંદરમાં કૃશા ગોરખિયાએ મેદાન માર્યુ

યુવાનોના ઉત્સાહ માટે કાર્યરત સંસ્થા જેસીઆઇ પોરબંદર દ્વારા છેલ્લા ૮ વર્ષથી વોઇસ ઓફ પોરબંદરનું આયોજન કરવામાં આવે છે. નવોદિત કલાકારોમાં છુપાયેલી સંગીતની કલાને ઉજાગર કરવા અને તેમને પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વોઇસ ઓફ પોરબંદરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઓડિશનમાં ૮૦ જેટલા નવોદિત કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ર૬ જેટલા યુવક-યુવતિઓ અને બાળકોની ફાઇનલ માટે પસંદગી કરવામાં આવી હતી. બિરલા હોલ ખાતે આયોજીત આ મેગા ફાઇનલમાં આ નવોદિત કલાકારોએ સંગીતના સુર રેલાવી સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સ્પર્ધામાં સિનીયર વિભાગમાં કૃશા ગોરખિયાબ પ્રથમ સ્થાને રહી હતી જ્યારે જિજ્ઞેશ પટણેશા દ્વિતિય અને જેનીસ ગાજરા તૃતિય સ્થાન મેળવ્યું હતું. જુનિયર વિભાગમાં રૂદ્ર ઝાલા પ્રથમ નંબરે, એંજલ મોઢવાડિયા દ્વિતિય અને કિશન મોઢવાડિયા તૃતિય સ્થાને રહ્યાં હતા. આ વિજેતાઓને શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પસંદગી પામેલા સ્પર્ધકોને એક સપ્તાહ સુધી પ્રખ્યાત કી-બોર્ડ આટિસ્ટ કપિલ જોષી અને ડો. રાજેશ કોટેચા દ્વારા સુર અને તાલની ખાસ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ર૬ જેટલા સ્પર્ધકોને ફાઇનલમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં નિર્ણાયક તરીકે શરદભાઇ જોષી, અલ્તાફભાઇ રાઠોડ અને અમિનાબેન પઢિયારે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી અને નવોદિત કલાકારોને પ્રોત્સાહીત કર્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન જેસીઆઇના સ્પાથક પ્રમુખ લાખણશી ગોરાણિયા, પ્રમુખ રોનક દાસાણી, પ્રોજેક્ટ ક્નસ્લટન્ટ આતિયા કારાવદરા, પ્રોજેક્ટ ચેરમેન આકાશ ગોંદિયા, કો-ચેરમેન રાજેશ દાસાણી, સેક્રેટરી પ્રિન્સ લાખાણી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ કોટેચાએ કર્યું હતું.