શિયાળામાં ચાનો પ્રેમ બની શકે છે જોખમભર્યો! જાણો તેની આડ અસરો

સમગ્ર વિશ્વમાં લાખો લોકોની ચાની ચુસ્કી સાથે સવાર પડે છે. ચાએ સૌથી લોકપ્રિય પીણું માનવામાં આવે છે. જો કે તમને દરેક ઋતુમાં ચાનો ક્રેઝ જોવા મળશે, પરંતુ શિયાળામાં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. આ સિઝનમાં ચા પ્રેમીઓની સંખ્યા વધુ વધી જાય છે. ઓફિસ હોય કે ઘર, લોકોને માત્ર ચા પીવાનું મન થાય છે. કેટલાક લોકો દિવસમાં 8 થી 10 કપ ચા પીતા હોય છે, પરંતુ આનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. હા, જે લોકો ચાના શોખીન છે, તેમણે એક મર્યાદામાં તેનું સેવન કરવું જોઈએ. વધુ પડતી ચા પીવાથી તમે ઘણી સમસ્યાઓનો શિકાર બની શકો છો.

વધુ પડતી ચા પીવાની  5 આડઅસરો

આયર્નની ઉણપનો ખતરો: Healthlineના રિપોર્ટ અનુસાર, એક દિવસમાં 3-4 કપ (710 ml) થી વધુ ચાનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાના કેટલાક તત્વો શરીરમાં હાજર આયર્નના તત્વોને વળગી રહે છે અને તેને પાચન પ્રક્રિયામાંથી ખતમ કરી દે છે. આવી સ્થિતિમાં આયર્નની ઉણપ થાય છે અને લોકો એનિમિયાનો શિકાર બની શકે છે.

ચિંતા અને તણાવ વધે છે: શિયાળામાં ઘણા લોકો પોતાના તણાવને દૂર કરવા માટે ચાનો સહારો લે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતી ચા પીવાથી તણાવ અને ચિંતાની સમસ્યા વધી શકે છે. એક કપ ચામાં 11 થી 61 મિલિગ્રામ કેફીન હોય છે અને કેફીનનું વધુ પડતું સેવન ચિંતા વધારી શકે છે. ક્યારેક તે માથાના દુ:ખાવાની સમસ્યા પણ વધારી શકે છે.

ઊંઘની સમસ્યા વધી શકે છે – જે લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, તેમણે ચાથી દૂર રહેવું જોઈએ. વધુ પડતી ચા પીવાથી તમારી ઊંઘની દિનચર્યામાં ખલેલ પડી શકે છે અને તમને ઊંઘમાં તકલીફ પડી શકે છે. ચામાં કેફીન હોય છે, જેના કારણે શરીરમાં મેલાટોનિનનું ઉત્પાદન ઘટે છે અને તેનાથી ઊંઘની પેટર્ન ખરાબ થાય છે.

એસિડિટીનું કારણ બની શકે છે: ઘણી વખત તમે અનુભવ્યું હશે કે, વધુ પડતી ચા પીવાથી પેટમાં એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. ખાસ કરીને જેઓ એસિડિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, તેમણે ઓછામાં ઓછી કોઈપણ ઋતુમાં ચા પીવી જોઈએ. ખાલી પેટે ચા પીવાથી પણ નુકસાન થઈ શકે છે.

સગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ચા: સગર્ભા સ્ત્રીઓએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઈએ. આ માત્ર તેમના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ચાના વધુ પડતા સેવનથી ઘણી તકલીફો થઈ શકે છે અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં કસુવાવડનું જોખમ પણ વધી જાય છે.