ટી-20નો કિંગ બન્યો માર્ટિન ગુપ્ટિલ, ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો

ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ હવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. માર્ટિન ગુપ્ટિલે એડિનબર્ગમાં સ્કૉટલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 40 રનની ઇનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. ગુપ્ટિલે આ મામલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધા છે.

માર્ટિન ગુપ્ટિલના નામે હવે 116 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 32.37ની એવરેજથી 3399 રન થઇ ગયા છે. આ દરમિયાન ગુપ્ટિલના બેટથી બે સદી અને 20 અડધી સદી લાગી છે. આ યાદીમાં બીજા નંબર પર રોહિત શર્માની વાત કરવામાં આવે તો 128 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેના નામ પર 32.18ની એવરેજથી 3379 રન છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માએ ચાર સદી અને 26 અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલી ત્રીજા નંબર પર

આ યાદીમાં ત્રીજા નંબર પર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 મેચમાં 50.12ની એવરેજથી 3309 રન બનાવ્યા છે, જેમાં 30 અડધી સદી સામેલ છે. કોહલીને વિન્ડીઝ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. આયરલેન્ડના પોલ સ્ટર્લિંગ 2894 રન સાથે ચોથા જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચ 2855 રન સાથે પાંચમા સ્થાન પર છે.

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન

માર્ટિન ગુપ્ટિલ-116 મેચ, 3399 રન
રોહિત શર્મા- 128 મેચ, 3379 રન
વિરાટ કોહલી- 99 મેચ, 3308 રન

ન્યૂઝીલેન્ડનો 68 રને વિજય

ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે આયોજિત મેચમાં કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 225 રન બનાવ્યા હતા. ઓપનર ફિન એલને 56 બોલમાં 8 ફોર અને 6 સિક્સરની મદદથી 101 રનની ઇનિંગ રમી હતી. માર્ટિન ગુપ્ટિલે 40 અને જિમી નીશામે અણનમ 30 રનનું યોગદાન આપ્યુ હતુ.

જવાબમાં સ્કૉટલેન્ડની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 157 રન બનાવી શકી હતી અને તેને 68 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સ્કૉટલેન્ડ માટે કૈલમ મેકલિયોડે 33 અને ક્રિસ ગ્રીવ્સે 31 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ઇશ સોઢીએ ચાર અને મિશેલ સેન્ટનરે બે વિકેટ ઝડપી હતી.