ગાડીના ટાયરને લઈને આવી રહ્યાં છે નવા નિયમો, હવે ટ્રીપ થશે વધુ સિક્યોર

ગ્રાહકોને તેના રેટિંગના આધારે ટાયરની ક્વોલિટી ઓળખવામાં સરળતા રહેશે. નવી ડિઝાઈનને કારણે રસ્તા પર ટાયરની પકડ વધુ સારી થશે અને ટાયરની ગુણવત્તા પણ પહેલા કરતા બેસ્ટ થશે.

સરકાર દેશમાં રોડ ટ્રાવેલને સુરક્ષિત બનાવવાની દિશામાં સતત કામ કરી રહી છે, જેથી રોડ અકસ્માતો ઘટાડી શકાય. કારમાં પહેલા એરબેગ્સ ફરજિયાત બનાવવામાં આવી, ત્યારબાદ તેની સંખ્યા વધારીને 6 કરવામાં આવી. હવે સરકારે ટાયરની ડિઝાઇનને લગતા નવા નિયમો પણ જાહેર કર્યા છે. આ નવી ડિઝાઇનના ટાયર 1 ઓક્ટોબર, 2022થી દેશમાં લાગુ થશે. જ્યારે 1 એપ્રિલ, 2023થી દરેક વાહનમાં એક જ ડિઝાઈનના ટાયર આપવાનું ફરજિયાત બનશે.

ટાયર માટે કેટેગરી બનાવવામાં આવશે, આ ફેરફારો થશે

નવા નિયમો અનુસાર, હવે ટાયર માટે 3 મુખ્ય સીરીઝ C1, C2 અને C3 બનાવવામાં આવશે. આ તમામ ઓટોમોટિવ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (AIS)ના બીજા તબક્કા હેઠળ ફરજિયાત હશે. આ માટે મોટર વાહન અધિનિયમમાં દસમા સુધારાની સૂચના જાહેર કરવામાં આવી છે. સરકારે ફ્યુલ એફિશિયેન્સી અનુસાર ટાયરના સ્ટાર રેટિંગની સિસ્ટમ પણ બનાવી છે.

ટાયર કંપની મિશેલિનએ જાહેરાત કરી હતી કે તેણે ભારત સરકારની નવી સ્ટાર રેટિંગ સિસ્ટમ અનુસાર દેશમાં પ્રથમ વખત બે ટાયર લોન્ચ કર્યા છે.

ટાયરના આ સ્ટાડર્ડ પણ નક્કી કરવામાં આવશે

આ સિવાય ટાયરના ઘણા નવા માપદંડો પણ નક્કી કરવામાં આવશે. રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશન જેવા સ્ટાડર્ડ બનાવવામાં આવ્યા છે. ટાયરના નવા સ્ટાડર્ડ તેમને રસ્તા પરના ઘર્ષણ, ભીના રસ્તા પર પકડ અને વધુ ઝડપે કંટ્રોલ તેમજ કાર ચલાવતી વખતે નોઇઝ વગેરેના આધારે સુરક્ષિત બનાવશે.

ગ્રાહકોને આ લાભ મળશે

ટાયરના નવા સ્ટાન્ડર્ડ પણ ગ્રાહકોને ઘણા ફાયદા કરાવશે. સૌથી મોટો ફાયદો એ થશે કે વિદેશમાંથી સબસ્ટાન્ડર્ડ ટાયરની આયાત બંધ થઈ જશે. હાલમાં ભારતમાં મોટા પાયે ચીનમાંથી ટાયરની આયાત કરવામાં આવે છે. ગ્રાહકોને બીજો ફાયદો એ થશે કે તેઓ ટાયરની ક્વોલિટી તેના રેટિંગના આધારે ઓળખી શકશે. નવી ડિઝાઈનને કારણે તેમને રસ્તા પરના ટાયર કરતાં વધુ સારી પકડ મળશે અને ટાયરની ક્વોલિટી પણ પહેલા કરતા સારી રહેશે.