ભાવનગર વિસ્તારની યાતાયાત સુવિધાઓમાં વધુ એક વૃદ્ધિ મહુવા- સુરત ટ્રેનને ગઢડા તાલુકાના નિંગાળા ગામે સ્ટોપેજ મળતા ગ્રામજનો ખુશખુશાલ ગ્રામજનોએ નિંગાળા સ્ટેશને આવેલી ટ્રેનનું હરખની હેલી વચ્ચે ફુગ્ગાઓ અને હારતોરાથી ભવ્ય સ્વાગત કર્યું ભાવનગર વિસ્તાર અને જિલ્લો ધીમે-ધીમે રોડ, રસ્તા અને હવાઈમાર્ગ સાથે રેલવે માર્ગ સાથે પણ જોડાઈ રહ્યો છે. તેમાં એક નવું ચરણ ઉમેરાયું છે. તે અંતર્ગત ગઢડા તાલુકાના નિંગાળા ગામે મહુવા-સુરત ટ્રેનને રેલવે તંત્ર દ્વારા સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ભાવનગરના ગઢડા તાલુકાના લોકોનો વ્યવહાર મોટેભાગે સુરત, મુંબઈ સાથે સંકળાયેલો છે ત્યારે તેમના યાતાયાત માટેની એક નવી સુવિધા આના કારણે ઊભી થઈ છે. જેના કારણે નિંગાળાના ગ્રામજનો ખુશખુશાલ છે. આ ટ્રેનની સુવિધા વધતા નિંગાળા ગામ સાથે આસપાસના ઉગામેડી, ગઢડા, નાના જીજાવદર, કેરીયા, શિયાનગર, લાખેણી સહિતના ૩૦ જેટલા ગામોને સીધે સીધો લાભ મળવાનો છે. નિંગાળાના ગ્રામજનોની ખુશી એ રીતે દેખાઈ આવે છે કે, તેમને મહુવા- સુરત ટ્રેન નિંગાળા ખાતે રાત્રિના સમયે આવી પહોંચવા છતાં રાત્રે પણ બેટરીની લાઈટમાં ફુગ્ગાઓ અને હારતોરા લગાવીને ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેનાથી ટ્રેનના કર્મચારીઓ તથા નિંગાળા સ્ટેશનના કર્મચારીઓ પણ ગદગદિત થઈ ઊઠ્યાં હતાં. આ સ્વાગત કરવાં માટે નિંગાળાના સરપંચશ્રી ભાવેશભાઈ વિઠાણી, તાલુકાના ડેલિકેટશ્રી હિંમતભાઈ વિઠાણી ગામના આગેવાનો સર્વશ્રી અતુલભાઇ દવે, પથુભા વાળા, મહાવીરસિંહ બાવુભા વાળા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.