પારસીઓએ નવરોઝની કરી ઉજવણી, ઉદવાડા ખાતે ઇરાનશાહ આતશ બહેરામ ના કર્યા દર્શન

મોટાભાગના પારસી પરિવારોએ આ મહત્વના દિવસને ધ્યાને રાખી વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે આવેલ સૌથી મોટી અગિયારી ખાતે ઇરાનશાહ આશત બહેરામના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. નવરોઝ ની ઉજવણી પ્રસંગે ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, તેમનું આ 1392મુ વર્ષ છે. જ્યારે ભારતને આઝાદી મળી તેનું 76મુ વર્ષ છે. પરંતુ આ જ ભારતે 1300 વર્ષ પહેલાં પારસી કોમને આશરો આપી આઝાદી આપી હતી. વડાપ્રધાન મોદીએ ઉદવાડાના વિકાસ માટે સતત સહયોગ આપ્યો છે. તેમના પ્રોત્સાહન થી જ પારસી સમાજ હિન્દુસ્તાનમાં દોસ્ત નહીં પરિવાર બનીને રહે છે. આજે ઉદવાડા ખાતે દેશભરમાંથી પારસીઓ ઇરાનશાહ આતશ બહેરામના દર્શને આવ્યાં હતાં. જેઓએ 1300 વર્ષથી તેમનો ઐતિહાસીક વારસો જાળવી રાખ્યો છે. ઉદવાડા ગામને પવિત્ર હેરીટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યાં દેશ ભરમાંથી આવેલા પારસીઓએ નવા વર્ષની એકબીજાને શુભેચ્છા આપી વરસાદી માહોલ વચ્ચે પણ નવરોઝની ઉજવણી કરી હતી