રિષભ પંત વિદેશી ધરતી પર સૌથી ઘાતક ભારતીય વિકેટ કીપર, ધોનીની બરાબરી કરી

ભારતે ઇંગ્લેન્ડને તેના ઘરમાં ત્રણ વન ડે મેચની સીરિઝમાં 2-1થી હરાવ્યુ હતુ. આ પહેલા ટી-20 મેચની સીરિઝમાં પણ હરાવ્યુ હતુ. વન ડે સીરિઝની અંતિમ એટલે કે ત્રીજી વન ડે મેચ મેનચેસ્ટરમાં રમાઇ હતી જેમાં વિકેટ કીપર રિષભ પંતે સદી ફટકારી હતી.

રિષભ પંતે પોતાની સદીની મદદથી અંગ્રેજોને હંફાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાને 5 વિકેટે જીત અપાવી હતી. પંત ફરી એક વખત વિદેશી ધરતી પર સૌથી ઘાતક ભારતીય વિકેટ કીપર સાબિત થયો હતો. આ સદીની સાથે જ રિષભ પંતે પૂર્વ કેપ્ટન વિકેટ કીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

વિદેશી ધરતી પર કોઇ વન ડે મેચમાં ટાર્ગેટનો પીછો કરતા સદી ફટકારવાનો રેકોર્ડ માત્ર ધોનીના નામે જ હતો. ધોનીએ આ સદી 7 જાન્યુઆરી 2010માં બાંગ્લાદેશ વિરૂદ્ધ મીરપુરમાં ફટકારી હતી. ત્યારથી તે આમ કરનાર પ્રથમ વિકેટ કીપર બેટસમેન હતો. હવે રિષભ પંતે તેની બરાબરી કરી લીધી છે.

એશિયા બહાર રિષભ પંત પ્રથમ ભારતીય વિકેટ કીપર

જો એશિયા બહાર કોઇ વન ડે મેચની બીજી ઇનિંગમાં સદી ફટકારવાની વાત કરવામાં આવે તો રિષભ પંત આ મામલે પ્રથમ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન બની ગયો છે. આ સિવાય વિદેશી ધરતી પર કોઇ વન ડે મેચમાં ચેજ કરતા પણ રિષભ પંત સૌથી મોટો સ્કોર બનાવનાર પ્રથમ ભારતીય વિકેટ કીપર બેટર બની ગયો છે. ધોનીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ અણનમ 101 રન બનાવ્યા હતા જ્યારે રિષભ પંતે ઇંગ્લેન્ડ સામે અણનમ 125 રન ફટકાર્યા છે.

એમએસ ધોની- એક સદી (7 જુલાઇ, 2010), બાંગ્લાદેશ વિરૂદ્ધ મીરપુરમાં
રિષભ પંત- એક સદી (17 જુલાઇ, 2022), ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેનચેસ્ટરમાં

વિદેશમાં સૌથી ઘાતક ભારતીય વિકેટ કીપર

વિદેશમાં સૌથી ઘાતક ભારતીય વિકેટ કીપરની વાત કરવામાં આવે તો રિષભ પંત ટોપ પર છે. અત્યાર સુધી વિદેશની ધરતી પર સૌથી વધુ 5 સદી ફટકારી છે, તેની આસપાસ પણ કોઇ નથી. બીજા નંબર પર ધોની છે, જેને 2 સદી ફટકારી છે. લોકેશ રાહુલે 1 અને રિદ્ધિમાન સાહાએ પણ 1 સદી ફટકારી છે.