રેલવેમાં મુસાફરી કરતા સિનિયર સિટિઝનોને ઝટકો, હવે ટિકિટ ભાડા પર કોઇ છૂટ નહીં મળે

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા વયોવૃદ્વ યાત્રીઓ અને ખેલાડીઓ માટે ખરાબ સમાચાર છે. રેલવેએ આ લોકોને ભાડામાં છૂટ આપવાનો ઇનકાર કર્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, મોટા ભાગની શ્રેણીમાં ભાડા પહેલાથી જ ઓછા છે. અત્યારે પણ ભાડાનો 50 ટકા ખર્ચ સરકાર ઉઠાવે છે.

તેમણે કહ્યું કે, સીનિયર સિટિઝનને આપવામાં આવેલી રાહતને કારણે રેલવે વિભાગને 2019-20માં વધારાના 1667 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. આ જ પ્રકારે વૃદ્વિ યાત્રીને અપાતી છૂટને કારણે 2018-19માં 1636 કરોડનો વધારે ખર્ચ ઉઠાવવો પડ્યો હતો.

પહેલા 50 ટકાની છૂટ અપાતી હતી

આપને જણાવી દઇએ કે, કોવિડ-9 પહેલા 60 વર્ષથી મોટી ઉંમરના એટલે કે સીનિયર સિટિઝનને રેલવે ટિકિટ પર 50 ટકાની છૂટ અપાતી હતી. પરંતુ કોરોના કાળમાં રેલવે સેવા સ્થગિત કરાતા આ છૂટને પણ બંધ કરવામાં આવી હતી. જો કે, ફરીવાર રેલવે સેવા પૂર્વવત થતા આ છૂટને ફરીથી શરૂ નથી કરાઇ. તે ઉપરાંત ભવિષ્યમાં પણ સીનિયર સિટિઝન્સને ભાડા પર છૂટ આપવાનો સરકારનો કોઇ ઇરાદો નથી.

આ લોકોને મળી રહી છે છૂટ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સીનિયર સિટિઝનને ભાડામાં છૂટ આપવાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડે છે. એટલે જ આ છૂટને ફરી શરૂ કરવાની કોઇ યોજના નથી. માત્ર સ્પેશિયલ કેટેગરી વાળા લોકોને જ ભાડામાં છૂટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ચાર શ્રેણીના દિવ્યાંગ, 11 કેટેગરીના દર્દીઓને અને વિદ્યાર્થીઓ સામેલ છે.

પહેલાથી બૂક નહીં કરાવો તો ખાવાનું વધુ મોંઘુ થશે

અત્રે ઉ્લ્લેખનીય છે કે, હાલમાં જ રેલવે વિભાગે પ્રીમિયમ ટ્રેનોમાં કેટરિંગ સેવાને લઇને કેટલાક રેટ્સમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર, જો હવે તમે પહેલાથી ભોજન બુક નહીં કરો તો ટ્રેનમાં ભોજન વધુ મોંઘુ મળશે. તેના માટે તમારે વધુ 50 રૂપિયાના સર્વિસ ચાર્જની ચૂકવણી કરવાની રહેશે.