સૂર્યકુમાર યાદવ ICC T20 રેન્કિંગમાં બીજા સ્થાને પહોચ્યો, પ્રથમ નંબરે બાબર આઝમ

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ લેટેસ્ટ આઇસીસી ટી-20 રેન્કિંગમાં ત્રણ પોઇન્ટનો કૂદકો મારતા બીજા નંબર પર પહોચી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ત્રીજી ટી-20 મેચમાં 44 બોલમાં 76 રન ફટકાર્યા બાદ સૂર્યકુમાર (816) અંક પર પહોચી ગયો છે. સૂર્યકુમાર યાદવ પહેલા પ્રથમ નંબર પર પાકિસ્તાનનો કેપ્ટન બેટ્સમેન બાબર આઝમ (818) બે પોઇન્ટ આગળ છે. ચોથી ટી-20 મેચમાં જો સૂર્યકુમાર યાદવ સારૂ પ્રદર્શન કરે છે તો તે આઇસીસી ટી-20 રેન્કિંગમાં બાબર આઝમને પાછળ છોડીને નંબર-1 બેટ્સમેન બની શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, હવે તેના 816 અંક છે અને પાંચ મેચની શ્રેણીમાં તે 111 રન બનાવી ચુક્યો છે જેમાં ભારત 2-1થી આગળ છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રીજા હેડ્રિંક્સ 16 પોઇન્ટના ફાયદા સાથે 15માં સ્થાને પહોચી ગયો છે જેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તમામ ત્રણ મેચમાં અડધી સદી ફટકારી હતી. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન બ્રેન્ડન કિંગ (29 પોઇન્ટના ફાયદા સાથે 27માં સ્થાન પર), ઇંગ્લેન્ડનો જોની બેરિસ્ટો (13 પોઇન્ટના ફાયદા સાથે 31માં સ્થાન પર) અને દક્ષિણ આફ્રિકાનો રિલી રોસોઉ (સંયુક્ત 37માં) સ્થાન પર છે.

હેનરિચ ક્લાસેન અને ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (66માં સ્થાન) પણ રેન્કિંગમાં આગળ વધ્યા છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રેણીમાં આઠ વિકેટ ઝડપનારા દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેજ શમ્સીની ટી-20 બોલિંગ રેન્કિંગમાં 19 રેટિંગ અંકનો ફાયદો મળ્યો છે અને તે બીજા સ્થાને પહોચી ગયો છે. શમ્સી એક સ્થાનની લીડ મેળવવામાં સફળ રહ્યો પરંતુ તે ટોચનો રેન્કિંગ પર રહેલા જોશ હેઝલવુડ (792 રેટિંગ અંક)થી 64 રેટિંગ અંક પાછળ છે.

વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર અકીલ હુસૈન, ઇંગ્લેન્ડના ક્રિસ જોર્ડન, ન્યૂઝીલેન્ડના સ્પિનર મિશેલ સેન્ટનર અને ઇશ સોઢીને પણ ફાયદો થયો છે. વન ડે રેન્કિંગમાં ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન એક પોઇન્ટના લાભથી 12માં સ્થાને પહોચી ગયો છે. ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલ (16માં) અને શાર્દુલ ઠાકુર (72માં) પણ રેન્કિંગમાં આગળ વધ્યા છે.