ટેસ્લાની હરીફ કંપની Triton EV ભારતમાં ટુ વ્હીલર લોન્ચ કરવા જઈ રહી છે, તે બેટરી કે પેટ્રોલ પર નહીં પરંતુ આ ઈંધણ પર ચાલશે

લક્ઝરી ઈલેક્ટ્રિક કાર બનાવવા માટે પોપ્યુલર ટેસ્લાની હરીફ અમેરિકન કંપની ટ્રાઈટન ભારતમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર કંપની ભારતમાં સૌથી પહેલા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે આ ટુ-વ્હીલર કે થ્રી-વ્હીલર પેટ્રોલ કે વીજળીથી નહીં પરંતુ હાઇડ્રોજન પર ચાલશે. કંપની તેનું ઉત્પાદન ભારતમાં જ કરશે. કંપનીએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતમાં ભુજની પસંદગી કરી છે. જો કે, અત્યાર સુધી ટેસ્લાની હરીફ કંપનીએ લોન્ચનો ચોક્કસ સમય જાહેર કર્યો નથી. ચાલો જોઈએ ભારત માટે ટ્રાઈટનનો શું પ્લાન છે.

 

ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું ઉત્પાદન કરવામાં આવશે

ટ્રાઈટનના સીઈઓ અને સહ-સ્થાપક હિમાંશુ પેટલે શુક્રવારે ટુ-વ્હીલર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. “ખૂબ જ ટૂંક સમયમાં અમે ભારતીય રસ્તાઓ પર અમારા પહેલા ટુ-વ્હીલર્સ જોઈશું,” તેમણે કહ્યું. કંપની પ્રથમ તબક્કામાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું ઉત્પાદન શરૂ કરશે. પટેલના મતે તેમની પ્રાથમિકતા નવા જનરેશનની ગતિશીલતા પર કામ કરવાની છે.

 

હાઇડ્રોજન વ્હીકલ પર થશે કામ

ભુજમાં ટ્રાઇટોનનો પ્લાન્ટ 600 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો હશે. પ્લાન્ટના નિર્માણ બાદ તેનું કદ 30 લાખ ચોરસ ફૂટ થશે. કંપની ગુજરાતના આણંદમાં તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં હાઇડ્રોજન આધારિત વ્હીકલ ડેવલપ કરશે. ટ્રાઇટોન ઇવીના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની જેમ આ સેન્ટરની કેપેસિટી ડબલ કરવામાં આવશે. કંપની વૈશ્વિક બજારમાં ઇલેક્ટ્રિક કાર, ટ્રક વગેરેનું વેચાણ કરે છે.

 

ભારતમાંથી જ થશે એક્સપોર્ટ

અગાઉ કંપની તેલંગાણામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગતી હતી. કંપનીએ ગયા વર્ષે હૈદરાબાદમાં 8-સીટર H ઇલેક્ટ્રિક એસયુવી રજૂ કરી હતી જ્યારે તેની ભારત સંબંધિત પ્લાનની જાહેરાત કરી હતી. એચટી ઓટોના જણાવ્યા અનુસાર કંપની ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે. ભારતમાં સેલ ઉપરાંત અહીંથી બનેલી ઈલેક્ટ્રિક કાર, SUV અને પિકઅપ ટ્રકને દક્ષિણ-પૂર્વ એશિયાઈ બજારમાં એક્સપોર્ટ કરવાની પણ કંપનીની યોજનાઓ છે.