અમદાવાદ (Amdavad ):અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો . એમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે,જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે . સોલા હોસ્પિટલ ખાતે પહોંચેલા મંત્રી ઋષિકેશ પટેલને વાલીઓએ બે હાથ જોડી ન્યાયની જ માગ કરી હતી.
બોટાદથી આવેલા મૃતક પરિવારજન ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે અમને ન્યાય મળવો જોઈએ. અમારે વળતરની જરૂર નથી, અમે સામે સરકારને ચારના બદલે આઠ લાખ આપીએ જયારે મૃતક કૃનાલના મામાએ જણાવ્યું હતું કે મૃતક મારી બેનનો ભાણિયો છે. હું સોલા હોસ્પિટલ પહોંચ્યો તો મારા ભાણિયાની લાશ મળી છે. હવે તો અમને ન્યાયની જ આશા છે .તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકારને ફંડ આપવા તૈયારી છીએ. ચાર નહીં, આઠ લાખ આપવા તૈયાર છીએ. અમે પૈસાના ભૂખ્યા નથી, પૈસા ભોગી નથી, પૈસાનો પાવર અમારે બિલકુલ નથી અને અમારે પૈસાની તાણ નથી પણ કોઈપણ હિસાબે અમને અમારો ન્યાય મળવો જોઈએ.
આ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ગૃહમંત્રી કાર્યવાહી કરવાના છે અને પોલીસ વિભાગ કાર્યવાહી કરશે, પરંતુ જે બનાવ બન્યો છે, પરિવારના દુઃખમાં રાજ્ય સરકાર, પ્રતિનિધિમંડળ અને ગુજરાતની જનતા તેમના દુઃખમાં સહભાગી છે.