મોટી રાહત/ બ્લડ પ્રેશર, ડાયાબિટીશ સહિતની આટલી દવાઓના ભાવ સરકારે કર્યા ફિક્સ, વધારે કિંમત લઈ શકાશે નહીં

દેશની જનતા મોંઘવારીથી પિસાઈ રહી છે.  સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય પર અત્યંત માઠી અસર થઈ છે, જેને લઈને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ચિંતિત બન્યા છે. ત્યારે આવા સમયે દવા પણ મોંઘી થતાં હવે એક સારા સમાચાર આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે. મતલબ કે કોઈ પણ આ દવાઓ બજારમાં નિયત કિંમત કરતાં વધુ કિંમતે વેચી શકે નહિ.

ભારતમાં 84 દવાઓના ભાવ કરાયા નક્કી

સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈપરટેન્શન જેવા રોગોમાં વપરાતી 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આ સાથે, NPPA એ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવા માટે ફોર્મ્યુલેશનની કિંમતો પણ નક્કી કરી છે. NPPA અનુસાર, આ દવાઓની કિંમત 2013માં જાહેર કરાયેલ પ્રાઇસ કંટ્રોલ નોટિફિકેશન હેઠળ નક્કી કરવામાં આવી છે. આ ઓર્ડર એનપીપીએને દવાઓની છૂટક કિંમત નક્કી કરવાની સત્તા આપે છે.

પેરાસીટામોલની કિંમત નિશ્ચિત

વોગ્લિબોઝ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડની એક ટેબ્લેટની કિંમત 10.47 રૂપિયા હશે. જો કે તેમાં GSTનો સમાવેશ થતો નથી. આ સિવાય Rosuvastatin Aspirin અને Clopidogrel Capsuleની કિંમત 13.91 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પેરાસિટામોલ અને કેફીનની એક ટેબ્લેટની કિંમત 2.88 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે, NPPA એ 30 સપ્ટેમ્બર સુધી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન ઇન્હેલેશનની મહત્તમ કિંમતમાં વધારો કર્યો છે.