સોના – ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે આજના ભાવ

દેશના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે. દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોમવારે પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત 195 રૂપિયા ઘટીને 51947 રૂપિયા થઈ ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, સોનામાં આ નબળાઈ વૈશ્વિક બજારોમાં ધાતુની ધીમી કિંમતો અને રૂપિયામાં નજીવી વૃદ્ધિને કારણે આવી છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 52,142 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન પ્રતિ કિલો ચાંદીના ભાવમાં પણ 223 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ ઘટીને રૂ.58,731 પ્રતિ કિલો પર આવી ગયો છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવ રૂ. 58,954 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડોલર સામે રૂપિયો નજીવો મજબૂત થવાથી પણ સોનાના ભાવ પર અસર પડી રહી છે. સોમવારે શરૂઆતના કારોબારમાં ભારતીય રૂપિયો ડોલર સામે 13 પૈસા વધીને રૂ. 79.11 પર ખુલ્યો હતો.

ત્યાંજ જો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, સોનું નબળું પડી રહ્યું છે અને 1764 યુએસ ડોલર પ્રતિ ઔંસના દરે ટ્રેડ થઈ રહ્યું છે. તે જ સમયે, વૈશ્વિક બજારમાં ચાંદી 20.21 યુએસ ડોલર પ્રતિ ઔંસના દરે કારોબાર કરી રહી છે. HDFC સિક્યોરિટીઝના કોમોડિટી સેગમેન્ટના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલના જણાવ્યા અનુસાર, કોમેક્સ પર હાજર સોનાના ભાવમાં 0.14 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.