આ કંપની આપી રહી છે શાનદાર ઓફર, આ શરતે એક સાથે કરો બે જોબ

કોઈપણ કંપનીમાં નોકરી શરૂ કરતા પહેલા કર્મચારીને સૂચના આપવામાં આવે છે કે તે અહીં કામ કરતી વખતે બીજી નોકરી ન કરી શકે. પરંતુ, ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી નવી પોલિસી લઈને આવી છે. આ હેઠળ, તમે સ્વિગીમાં કાર કરતી વખતે અન્ય કામ પણ કરી શકો છો. એટલે કે હવે તમે એક સાથે બે જોબ કરીને કમાણી કરી શકો છો. જો કે, આ પોલિસીનો લાભ લેવા માટે, કર્મચારીએ પણ કેટલીક શરતો સાથે સંમત થવું પડશે.

આ શરતો સાથે અન્ય સ્થાને પણ કરો કામ

સ્વિગી તેના કર્મચારીઓ માટે મૂનલાઇટિંગ પોલિસી લઈને આવી છે. આ અંગે બુધવારે કંપની દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ હેઠળ, કંપનીના કર્મચારીઓ કામના કલાકો પછી અન્ય પ્રોજેક્ટ માટે કામ કરી શકે છે. એક અહેવાલમાં કંપની દ્વારા કહેવામાં આવ્યું કે, અમારા કર્મચારીઓ કંપનીના કામકાજના કલાકો પછી અથવા સપ્તાહના અંતે કંપનીની ઉત્પાદકતાને અસર કર્યા વિના અન્ય નોકરીઓ કરીને પૈસા કમાઈ શકે છે.

તેના પ્રકારની પ્રથમ નીતિ

સ્વિગીએ દાવો કર્યો કે, તે સંબંધિત સેક્ટરમાં આ પ્રકારની પહેલી પોલિસી રજૂ કરશે. મૂનલાઇટિંગ પોલિસી રજૂ કરતી વખતે, કંપનીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ સુવિધાનો લાભ લેતા કર્મચારીઓએ ધ્યાનમાં રાખવું પડશે કે, સ્વિગીના વ્યવસાય સાથે કોઈ પણ રીતે હિતોનો સંઘર્ષ ન હોવો જોઈએ.

આ કામ કરી શકે છે કર્મચારીઓ  

નવી નીતિ હેઠળ, સ્વિગીના કર્મચારીઓ NGOમાં સ્વયંસેવક તરીકે ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રશિક્ષક તરીકે કામ કરી શકે છે. આ સિવાય જે કામ માટે કર્મચારીમાં ટેલેન્ટ છે તે પોલિસીની શરતો અનુસાર તમે કામ કરી કમાણી કરી શકો છો. પરંતુ આવી તક આપતાં કંપનીએ પોતાના કર્મચારીઓને કામ પર અસર ન થવા દેવાની સલાહ પણ આપી છે. કંપનીએ કહ્યું છે કે, કામમાં ક્ષતિઓ બિલકુલ સહન કરવામાં આવશે નહીં.

કર્મચારીઓના પરિવાર માટે મદદરૂપ

સ્વિગી દ્વારા જારી કરાયેલા રીલીઝમાં કહેવાયું કે, મૂનલાઇટિંગ પોલિસી ખૂબ વિચાર-વિમર્શ પછી લાવવામાં આવી છે. કંપનીને સમજાયું કે કોવિડ-19 યુગમાં લોકડાઉન દરમિયાન દેશમાં મોટી વસ્તીમાં નવી પ્રતિભા વિકસિત થઈ છે. જો તેમને સમય અને તક આપવામાં આવે તો આની મદદથી તેઓ પરિવારના ભરણપોષણ માટે વધારાની આવક કરી શકે છે.