સમગ્ર ગુજરાતમાં મહા મહિનાનું માવઠું! ભારે પવન સાથે કમોસમી વરસાદ

ગુજરાતમાં 4થી 9 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે
રાજસ્થાન અને ગુજરાતની આસપાસ ઉત્તરથી દક્ષિણ તરફ એક ટ્રફ રેખા બનશે જેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે જીરા, રાયડો, ધાણા, ઘઉં, ચણા સહિતના પાકો તૈયાર થઈને ખેતરોમાં પડ્યા છે તેને આ વરસાદને કારણે નુકસાન થવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે

આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ દિવસ સુધી છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન અને ગુજરાતની આસપાસ ઉત્તરથી દક્ષિણ તરફ એક ટ્રફ રેખા બનશે જેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાન બદલાશે અને વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં હાલ રવી પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે અને જીરા, રાયડો, ધાણા, ઘઉં, ચણા સહિતના પાકો તૈયાર થઈને ખેતરોમાં પડ્યા છે. આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. માર્ચ-એપ્રિલ-મે મહિનાને પ્રિ-મૉન્સુન ગણવામાં આવે છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ દિવસ સુધી છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

છુટાછવાયો વરસાદ એટલે કે સમગ્ર જિલ્લામાં વરસાદ નહીં પડે પરંતુ કોઈ કોઈ સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 4થી 7 તારીખ સુધી હળવાથી મધ્ય વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જોકે, 9 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ગુજરાતમાં હાલના દિવસોમાં જ તાપમાન સરેરાશ 35 ડિગ્રીથી વધારે જોવા મળી રહ્યું છે. ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.