ગુજરાતમાં 1થી 8 ધોરણ માટે ગુજરાતી ફરજિયાત, ભંગ કર્યો તો થશે 2 લાખનો દંડ

ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવાનું ફરજીયાત કરતુ વિધેયક આજે વિધાનસભામાં પેશ કરવામાં આવ્યું હતું. જેમાં કાયદા-નિયમભંગ બદલ શાળાઓની માન્યતા રદ કરવા, દંડ ફટકારવા સહીતની જોગવાઈઓ કરવામાં આવી છે. જોકે વિધેયક રજુ કરાયા પૂર્વે છેલ્લી ઘડીએ અમુક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા. રાજયના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા આજે રાજય વિધાનસભામાં ફરજીયાત ગુજરાતી ભાષાનાં શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક-2023 રજુ કરવામાં આવ્યું હતું. વિધેયકની જોગવાઈ પ્રમાણે તમામ શાળાઓમાં ધો.1 થી 4 ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજીયાત કરતી જોગવાઈ કરવામાં આવી છે.

આ નિયમનો ભંગ કરતી શાળાઓને દંડ ફટકારવાની તથા માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાની જોગવાઈ કરવામાં આવી છે. લઘુમતી સહીત તમામ ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને પણ તે લાગુ પડશે.એટલુ જ નહિં ગુજરાત કે અન્ય કોઈપણ શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓને લાગુ પડશે. આ વિધેયક તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડનાં અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ કેટલીક ભુલ રહી જતાં છેલ્લી ઘડીનાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ધો.1 થી 4 ગુજરાતી વિષય ભણાવવાનો અમલ કરવા વિશે અસ્પષ્ટ જોગવાઈ હોવાનું ધ્યાનમાં આવતા 1લા ધોરણથી જ અમલ કરવાની ચોખવટ કરતી જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી હતી.

આ સિવાય શિક્ષણ બોર્ડ, શાળાઓ વગેરેના મુદ્દે પણ સ્પષ્ટ શબ્દોલ્લેખ કરાયા હતા. શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી, જેને કારણે રાજ્યના રહેવાસીઓ તેમની સત્તાવાર ભાષાથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તા.13/04/2018ના રોજ ઠરાવ કરી રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ 2018માં ધોરણ- 1 અને 2, વર્ષ 2019માં ધોરણ-3, વર્ષ 2020માં ધોરણ-4, તે રીતે ક્રમશઃ ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો ફરજિયાત અમલ કરવા આદેશ કર્યો હતો.

આ ઠરાવ મુજબ કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન ગુજરાતી માધ્યમની શાળાઓ સિવાયની તમામ શાળાઓને ફરજિયાત વિષય તરીકે ગુજરાતી ભાષા શીખવવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં એવું જોવા મળ્યું હતું કે કેટલીક શાળાઓ ઠરાવને અનુસરતી નથી. જેને પરિણામે કડક જોગવાઇઓ સાથેનો કાયદો લાવવો જરૂરી હતો. પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણવા અને ફરજિયાત કરવા મામલે અગાઉ ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરીને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો શા માટે સરકારી તંત્ર લાચારી બતાવી રહ્યું છે. ગુ

જરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર અમલ કરાવે. જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવું ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ નિરીક્ષણ કર્યુ હતું. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે. જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અસક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે.

આ વિધેયક તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડનાં અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ કેટલીક ભુલ રહી જતાં છેલ્લી ઘડીનાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ધો.1 થી 4 ગુજરાતી વિષય ભણાવવાનો અમલ કરવા વિશે અસ્પષ્ટ જોગવાઈ હોવાનું ધ્યાનમાં આવતા 1લા ધોરણથી જ અમલ કરવાની ચોખવટ કરતી જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી હતી. આ સિવાય શિક્ષણ બોર્ડ, શાળાઓ વગેરેના મુદ્દે પણ સ્પષ્ટ શબ્દોલ્લેખ કરાયા હતા. ગુજરાતમાં અનેક શાળાઓ ગુજરાતી વિષય ભણાવતી ન હોવાના મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો અદાલત સુધી પણ પહોંચ્યો હતો. જેને પગલે ખુદ સરકારે જ પહેલ કરીને ગુજરાતી વિષય ફરજીયાત કરતો કાયદો ઘડીને વિધેયક આજે વિધાનસભામાં પેશ કર્યું હતું.