ફટકો / ઝોમેટોના સૌથી મોટા શેરહોલ્ડરે છોડ્યો કંપનીનો સાથ, વેચી દીધી પોતાની ભાગેદારી

ઉબેર ટેક્નોલોજી (Uber Technology) એ બુધવારે ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટો લિમિટેડ (Zomato Limited) માં તેનો 7.8 ટકા હિસ્સો વેચ્યો હતો. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ Uber એ બ્લોક ડીલ દ્વારા ઝોમેટોના શેર 392 મિલિયનમાં વેચ્યા છે. આ બ્લોક ડીલ 50.44 રૂપિયા પ્રતિ શેરમાં કરવામાં આવી છે. હાલમાં આ મામલે Zomato અને Uber તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. Zomato નો શેર BSE પર 4.14% ઘટીને રૂ. 53.30 પર ટ્રેડ થઈ રહ્યો છે. શરૂઆતના વેપારમાં ઝોમેટોના શેર બુધવારે સવારે લગભગ 10 ટકા તૂટ્યા હતા. જોકે બાદમાં તે રિકવર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારે Zomato નો શેર 20 ટકા વધીને 55.60 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીના શેરમાં આજે અપર સર્કિટ લાગી હતી.

2,938 કરોડ રૂપિયા એકત્ર કરવાનો થશે પ્રયાસ

રિપોર્ટ મુજબ ઝોમેટોના શેરધારકો આ બ્લોક ડીલમાંથી આશરે 373 ડોલર મિલિયન અથવા 2,938 કરોડ રૂપિયા એકત્ર કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે ઉબેરે બ્લોકમાં ઝોમેટોના કુલ 61 કરોડ શેર વેચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ફિડેલિટી, ફ્રેન્કલિન ટેમ્પલટન અને ભારતની ICICI પ્રુડેન્શિયલ સહિત લગભગ 20 વૈશ્વિક અને ભારતીય ફંડ્સ દ્વારા હિસ્સો ખરીદવામાં આવ્યો છે.

Uber એ પોતાની ભાગીદારીના શેર વેચ્યા પછી Zomato ના શેરોમાં કડાકો જોવા મળી રહ્યો છે. શેરના ભાવ 12 વાગ્યા સુધીમાં 52.45 રૂપિયા પર આવી ગયો હતો.

જૂન ક્વાર્ટરમાં ખોટ ઓછી થઈ

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં Zomato ની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ઘટીને 185.7 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કંપનીની ખોટ 356.2 કરોડ રૂપિયા  હતી. તે જ સમયે ઝોમેટોને માર્ચ 2022 ક્વાર્ટરમાં 359.7 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનું ગ્રોસ ઓર્ડર મૂલ્ય વધીને 6,430 કરોડ રૂપિયા થયું છે