મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે દર બુધવારે મળનારી બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક આજે મળી રહી છે ત્યારે બેઠકમાં નર્મદામાં પાણી છોડવા મામલે ચર્ચા થશે. આ ઉપરાંત જન્માષ્ટમીના ઉત્સવ, વધી રહેલો રોગચાળો, વરસાદની સ્થિતિ વગેરે મુદ્દાઓની સાથે સાથે લમ્પીગ્રસ્ત પશુઓ મામલે પણ સમીક્ષા કરવામાં આવશે. આ સાથે પીએમ મોદીના પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
ખાસ કરીને રાજ્યમાં આવેલા 207 જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે. અત્યારે 70 ટકાથી વધુ છેય જેટલું પાણી આ જળાશયોમાં છે. ખાસ કરીને ગુજરાતના ડેમોમાં પાણીની આવક છેલ્લા 13 વર્ષની સરખામણીએ સૌથી વધુ છે અને ગયા વર્ષની સરખામણીએ 25 ટકા જેટલું વધારે છે. ત્યારે વિવિધ ડેમો ઉપરાંત નર્મદા ડેમમાં પાણી છોડવા મામલે પણ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત જન્માષ્ટમીના વિવિધ મેળાઓના આયોજનો કોરોના બાદ થઈ રહ્યા છે તે બાબતે પણ સમીક્ષા કરાશે. આ ઉપરાંતટ રાજ્યમાં લમ્પીના કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે. 91 હજારથી વધુ પશુઓ સંક્રમિત થયા છે. ત્યારે રસીકરણની સ્થિતિ વગેરે બાબતે ચર્ચા કરાશે. બે દિવસ ફરી વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ઉત્તર ગુજરાત સહીતના વિસ્તારોમાં બચાવ કામગિરીની ટીમો તહેનાત કરવા તેમજ વરસાદ બાબતે ખેડૂતોની સ્થિતિ, વાવણી વગેરેને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.