સુરત (Surat) શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં અજાણ્યા ઈસમ એ બે કાર સળગાવી નાખી હતી
સુરતમાં (Surat) અસામાજીક તત્વોનો આતંક દિવસે દિવસે જાણે વધતો જઇ રહ્યો છે. એક પછી એક ક્રાઇમની અનેક ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા બે કારને જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ લગાવી દેવામાં આવી હતી. રાત્રી દરમિયાન ઘટના બનતા ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. જેમાં કારમાં આગ લગાડવાની ઘટના કેદ થઇ છે. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાત્રિ દરમિયાન જલદ પ્રવાહી ફેંકી મોંઘી કારો ફૂંકી મારી
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં અજાણ્યા ઈસમ એ બે કાર સળગાવી નાખી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. રાત્રિ દરમિયાન બનેલ ઘટનાને લઈને લોકોએ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરતા ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે રાત્રીના સમયે આગ લાગવાના બનાવમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં અજાણ્યા ઈસમો કોઈ જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાવતા નજરે ચડે છે. આગ લાગવાની ઘટનાને લઈને બંને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઇ હતી. જોકે સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે ગુનો નોંધી બંને ઇસમોની શોધખોળ હાથ ધરી છે.
દૂધ વેચવા આવનારે ફાયરને કરી જાણ
જાહેર રોડ પર ભડભડ સળગતી કાર વિશે ફાયરને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ અંગે ફાયર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગત મધરાત્રિએ ત્રણ વાગ્યે 45 મિનિટે કંટ્રોલમાં ફોન આવ્યો હતો. પ્લેટિનિયમ હાઈડ્સની બહાર કાર સળગી રહી હોવાનું જણાવ્યું હતું. જેને લઇ કતારગામ ફાયર સ્ટેશનની બે ગાડી ઘટના સ્થળે મોકલી આપી હતી. હજુ આ કોલ ચાલુ જ હતો ત્યાં તેનાથી થોડી જ દૂર ડભોલી બ્રિજ નીચે વધુ એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેને લઇ અહીં મોકલેલ બે ગાડીમાંથી એક ગાડીને બીજા કોલ ૫૨ રવાના કરી હતી. જોકે બંને કાર પર પાણીનો મારો ચલાવી ફાયર દ્વારા આ કાબુમાં મેળવી હતી. પરંતુ સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
અજાણ્યા ટીકળખોરની કરતૂત
કારમાં લાગેલી ઘટના અંગે કાર માલિક હેનિલ લીંબાણીએ સિંગણપોર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ કરી હતી. જાણવા મળ્યું હતું કે એક જ વિસ્તારમા થોડા થોડા અંતરે એક સાથે બે કાર સળગી છે. આ બંને કાર પોતાના આપમેળે સળગી ઊઠી નથી પરંતુ તેને કોઈકે સળગાવી છે. જેને લઇ પોલીસે બંને કાર માલિકોની ફરિયાદ લેવામાં આવી હતી.અને કાળ સળગાવનાર અજાણ્યા ટીખળખોરને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.