ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલો, સેલ્ફી લેવાની ના પાડી તો લોકોએ કારમાં કરી તોડફોડ

ભારતીય ટીમના ધાકડ ઓપનર પૃથ્વી શૉ પર મુંબઈમાં હુમલો થયાના અહેવાલ સામે આવ્યા છે. જણાવાયા મુજબ, 15મી ફેબ્રુઆરીની રાત્રે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલની બહાર આ હુમલો થયો હતો. આ મામલે ઓશિવારા પોલીસે 8 લોકોની સામે એફઆઈઆર નોંધી છે. પૃથ્વી શોના મિત્ર આશીષ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, બેઝબોલના બેટથી હુમલો કરવામાં આવ્યો. પછી આરોપીઓએ કારનો પીછો કર્યો અને રૂપિયા ન આપવાનો ખોટો કેસ કરવાની ધમકી આપી. ઘટનાની વિગત મુજબ, પૃથ્વી શૉ મુંબઈના સાંતાક્રૂઝમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર માટે ગયો હતો, ત્યારે અજાણ્યા શખસો તેની પાસે આવ્યા હતા અને સેલ્ફી લેવા માટે માગ કરવા લાગ્યા. શૉએ બે લોકો સાથે સેલ્ફી પડાવી. તે પછી કેટલાક લોકો ત્યાં આવ્યા અને અન્ય લોકો સાથે પણ સેલ્ફી પડાવવા કહ્યું.

પૃથ્વી શૉએ એમ કહીને ના પાડી દીધી કે, તે મિત્રો સાથે ડિનર માટે આવ્યો છે અને તેમને પરેશાન નથી કરવા માગતો. ફરિયાદ મુજબ, જ્યારે એ લોકોએ વધારે દબાણ કર્યું તો પૃથ્વીના મિત્રએ હોટલના મેનેજરને ફોન કર્યો અને ફરિયાદ કરી.
ફરિયાદ મુજબ, તે પછી મેનેજરે આરોપીઓને ત્યાંથી જવા માટે કહ્યું. જ્યારે શૉ અને તેના મિત્રો ડિનર લઈને હોટલની બહાર આવ્યા તો, હોટલની બહાર કેટલાક લોકો બેઝબોલના બેટ લઈને ઊભા હતા. પૃથ્વી શૉ કારમાં બેઠેલો હતો એ સમયે જ એ લોકોએ બેટથી કારનો કાચ તોડી નાખ્યો. તે પછી શોના મિત્રોએ તેને બીજી કારમાં ત્યાંથી રવાના કરી દીધો, જેથી વધુ બબાલ ન થાય. જોકે, આ લોકો ત્યાંથી ન અટક્યા અને તેમણે શૉના મિત્રની કારને જોગેશ્વરી પેટ્રોલ પંપ પાસે રોકી અને ત્યાં એક મહિલાએ આવીને કહ્યું કે, જો મામલો શાંત પાડવો છે તો 50 હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો તે ખોટા આરોપો લગાવી દેશે.

તે પછી પૃથ્વી શૉના મિત્રએ એફઆરઆર નોંધાવી. જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. હોટલના કર્મચારીઓએ શૉની સાથે સેલ્ફી લેનારા સપના ગિલ અને શોભિત ઠાકુરના નંબર મેળવી પોલીસને આપ્યા છે.
પૃથ્વી શૉએ તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં આસામ સામે 379 રનની ઈનિંગ્સ રમી હતી. આ શાનદાર પ્રદર્શન છતાં તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં સામેલ કરાયો ન હતો. જોકે, પૃથ્વીને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20માં સામેલ કરાયો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.