વડોદરા (Vadodra ):આજના વ્યસ્તતા ભર્યા જીવનમાં વાલીઓ પોતાના કામના ચક્કરમાં બાળકોને મોબાઈલના ભરોસે મૂકી દેતા હોય છે ત્યારે વાલીઓની આ ભૂલ ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારને એક મોબાઈલ રોવડાવી રહ્યો છે.
આ મધ્યમ વર્ગીય પરિવારમાં ચાર સભ્યો છે, જેમાં પતિ-પત્ની તેમજ બે દીકરા છે. એક દીકરાની ઉંમર 13 વર્ષ તો બીજો દીકરો 16 વર્ષનો છે. માતાપિતા બંને છૂટક કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે માતાપિતાની વ્યસ્તતા વચ્ચે 13 વર્ષનો નાનો પુત્ર મોબાઈલના રવાડે ચઢી ગયો. હદ તો ત્યારે થઈ કે આ બાળકે મોબાઈલમાં ગેમ રમવા માટે પોતાના ઘર પરિવાર નો ત્યાગ કરી દિધો.
બાળકના પિતા એ જણાવ્યું હતું કે મારો નાનો દીકરો ભણવા માં ખૂબ જ હોશિયાર હતો પરંતુ થોડા સમય અગાઉ મારા દીકરાએ ગેમ રમવાની લાલચમાં શાળાના કોમ્પ્યુટર રૂમમાં રાતવાસો કર્યો હતો.ગેમ રમવાની કુટેવના કારણે શાળામાંથી પણ તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.
તે એક સપ્તાહ પહેલા મોબાઈલ માટે પોતાનું ઘર છોડી ચાલ્યો ગયો હતો. જેથી તેણે બાળકના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી.આખરે આ દીકરો એક સપ્તાહ બાદ મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ગુમ બાળકે જણાવ્યું હતું કે તેણે મોબાઈલ વિના એક મિનિટ પણ ચાલે તેમ નથી. મોબાઈલમાં ગેમ રમવામાં ખૂબ મજા પડે છે.
ઘરે માતા પિતાનો મોબાઈલ ઉપયોગમાં લઉ તો તેઓ ઠપકો આપે છે, જેથી ખુદનો મોબાઈલ ખરીદવા ઘર પરિવાર છોડી પિતાના મિત્રો પાસે કામ શોધ્યું અને મજૂરી કરી પગારના પૈસે પોતાનો મોબાઈલ ખરીદવાનું નક્કી કર્યું હતું. બાળકનું આ નિવેદન સાંભળતા ત્યાં હાજર પોલીસ કર્મીઓ પણ એક ક્ષણે ચોંકી ઉઠ્યા હતા.