સન્માનિત થનાર PSI યોગેશદાન ગઢવીની કામગીરી વિશે, ગુજરાત પોલીસમાં તેમનું શું રહ્યું છે યોગદાન
સારા કાર્યકાળના કારણે તેમને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં પોસ્ટિંગ અપાયું હતું.
42 વર્ષીય યોગેશદાન ગઢવીએ કોરોનાકાળમાં સારી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભરૂચ જિલ્લામાં અનેક ગંભીર અને સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરને ખાસ બનાવવા માટે અનેક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હર ઘર ત્રિરંગા ઝુંબેશ , સ્વતંત્રતા સેનાનીઓના સન્માન તો બાહોશ પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી 19 પોલીસકર્મીઓનું સન્માન થનાર છે. રાષ્ટ્રપ્રતિ ચંદ્રક માટે પસંદગી પામનાર આ પોલીસકર્મીઓ પૈકી 2 વિશિષ્ટ સેવા અને 17 ને પ્રસંશનીય કામગીરી માટે મેડલથી નવાજવામાં આવશે. યાદી જાહેર થતા ભરૂચ પોલીસના બેડામાં ખુશીની લાગણી જોવા મળી છે. લગભગ 4 વર્ષથી ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવનાર તેમજ અનેક ગંભીર અને સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સબ ઇન્સ્પેકટર યોગેશદાન ગઢવી (PSI Y G Gadhvi)ની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગ તરફથી 575 જેટલા ઇનામો મેળવનાર આ બાહોશ પોલીસ અધિકારીની પસંદગી ગર્વની લાગણીનો અહેસાસ કરાવી રહી છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ધુનાના ગામના પોલીસકર્મી ગોવિંદદાન ગઢવીના પુત્ર યોગેશદાને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1999 માં પોલીસફોર્સમાં ભરતી મેળવી હતી. પહેલું પોસ્ટિંગ અમરેલી જિલ્લામાં મળ્યા બાદ બદલી સુરત શહેરમાં થઇ હતી. સુરત પોલીસમાં ગુના અને ગુનેગારોના ગુનાહિત માનસને પારખવામાં નિપુણતાના કારણે તેમને સારી જગ્યાઓ ઉપર પોસ્ટિંગ મળ્યા હતા.યોગેશદાન ગઢવીએ સુરતમાં 7 વર્ષ DCB અને દોઢ વર્ષ SOG માં ફરજ બજાવી હતી. વર્ષ 2018 માં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતા ભરૂચ જિલ્લા પોલીસમાં પોસ્ટિંગ મળ્યું હતું.
સારા કાર્યકાળના કારણે તેમને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં પોસ્ટિંગ અપાયું હતું. 42 વર્ષીય યોગેશદાન ગઢવીએ કોરોનાકાળમાં સારી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભરૂચ જિલ્લામાં અનેક ગંભીર અને સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંકલેશ્વરમાં ધોળે દા’ડે IIFL સિક્યુરિટીઝ લૂંટ, ઉંટીયાદરા ટ્રિપલ મર્ડર કેસ , એક સમયે પોલીસ માટે પડકાર અને બદનામીનું કારણ બની ગયેલો સરભાણ રેપ કેસ અને ભરૂચના અંબિકા જવેલર્સ લૂંટ કેસમાં ગુનાઓના ભેદ ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મેળવનાર ભરૂચ પોલીસની ટીમનો એક હિસ્સો યોગેશદાન ગઢવી પણ રહ્યા હતા.
ગુજરાત પોલીસમાં આ સેવાકાળમાં યોગેશદાન ગઢવીને ગુજરાત પોલીસ વિભાગ તરફથી 575 જેટલા ઇનામો એનાયત કરાયા છે. આ બાહોશ અધિકારીએ ગુજરાત પોલીસમાં ફરજ દરમ્યાન પોતાની હિંમત , સુઝબુઝ , હોશિયારી અને અનુસાશનના પાલન થકી મેડલ મેળવનાર અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે જેમને રાજ્યના ૧૭ પોલીસકર્મીઓની યાદીમાં જગ્યા મળતા ભરૂચ પોલીસ ગર્વની લાગણી અનુભવી રહી છે.