અમદાવાદમાં ફરી એકવાર ઓવરબ્રિજ પરથી કૂદીને મોતની ઘટના સામે આવી છે. શહેરના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે. જ્યાં ઓવરબ્રિજ પરથી પડી જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે છેલ્લા એક મહિનામાં બ્રિજ પરથી કૂદવાની આ ચોથી ઘટના છે. અજાણી મહિલાએ છલાંગ લગાવી જીવ આપી દેતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ની મદદથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે ઓવરબ્રિજ પરથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી.
આ અજાણ્યા વ્યક્તિએ ડબલ ડેકર ઓવરબિજ પરથી ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે પર નીચે મોતનો કુદકો લગાવ્યો હતો. જેને પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિક પોલીસની સાથે સાથે રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે આપઘાત કરનાર વ્યક્તિની ઓળખ હાથ ધરી હતી. સવારે એક વ્યક્તિએ આત્મહત્યા કર્યા બાદ બપોર પછી પણ ઈન્દઈ નાનાભાઈ નામના એક 56 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. આપને જણાવીએ કે, થોડા દિવસ પહેલા પણ એક યુવતીએ આ જ બ્રિજ પરથી પડતું મૂક્યું હતું.
થોડા દિવસ પહેલા બપોરના 2:45 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સને જાણ થઈ હતી કે, કોઈ યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદકો માર્યો છે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી હતી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેની તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.