ગુજરાત યુનિવર્સિટીના સભ્ય અને રાજકોટ જિલ્લાના ઉપલેટાના વતની રજનીકાંતભાઈ લાડાણીએ આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? કેટલો વરસાદ પડશે? અને વાવણી ક્યારે થશે? તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે હોળીની જાળ અને ચૈત્રી દનૈયાને આધારે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાનો વર્તારો આપી રહ્યા છે. આ વર્ષે તેમણે ચોમાસાને લઈને કેવું અનુમાન લગાવ્યું છે.
2023ના ચોમાસાને લઈને અભ્યાસ કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન 48 દિવસ વરસાદ પડી શકે છે. વર્ષ 2023નું ચોમાસુ 10 આની રહી શકે છે. તેમણે જણાવ્યું છે કે જેઠ વદ બારસથી અમાસ દરમિયાન એટલે કે 15 જૂન થી 18 જૂનની વચ્ચે સૌરાષ્ટ્ર સહિત કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મોસમી વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન વાતાવરણમાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે.
આ વર્ષે આદ્રા નક્ષત્ર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ સાથે જ પુનર્વસુ નક્ષત્ર દરમિયાન રાજ્યમાં વરસાદનો બીજો મોટો રાઉન્ડ આવી શકે છે. જેમાં રાજ્યના મોટા ભાગના જળાશયો સંપૂર્ણપણે ભરાઈ જશે. રજનીકાંતભાઈ વાવણીને લઈને પણ મોટા સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ 15 દિવસ મોડું થઈ શકે છે. જેમાં 21 જૂનથી 30 જૂની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ પડી શકે છે.
ઓગસ્ટ મહિનામાં 6 થી 11 ઓગસ્ટ ની વચ્ચે રાજ્યમાં સારામાં સારો વરસાદનો ત્રીજો રાઉન્ડ આવી શકે છે. ત્યારબાદ 8 થી 12 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનો ચોથો રાઉન્ડ આવશે આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક સારામાં સારો વરસાદ વરસી શકે છે. તેને લઈને મોટા એંધાણ આપ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષે વીજળી પડવાના બનાવો વધી શકે છે. જેને કારણે ચોમાસા દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે. રાજ્યમાં મે મહિનાના અંતિમ દિવસોમાં ચક્રવાતો ઉત્પન્ન થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ જ આગાહી નથી. તાપમાન પણ યથાવત રહેશે. અરબી સમુદ્રમાંથી પવન ફુકાવાના કારણે રાજ્યમાં તાપમાનમાં એકાદ ડિગ્રી વધઘટ રહેશે. અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રીને આસપાસ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેશે.
રાજ્યમાં ઉનાળાની શરુઆતથી જ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે ખેડૂતોને રાહત થશે. ત્યારે બીજી તરફ હિટવેવની પણ આગાહી ન હોવાથી લોકોને રાહત અનુભવાશે.