ઉતરાયણના તહેવારને બસ થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં પતંગ લેવા જતા સાત વર્ષીય બાળક ત્રીજા માળેથી નીચેના ફ્લોર પર પટકાયો હોવાનું સામે આવ્યું છે. તેના લીધે બાળકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉત્તરાયણના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. મળેલી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ચોકડી પાસે રહેતા રુદ્ર ભટ્ટી નામના સાત વર્ષે માસુમને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સવારે રુદ્ર ભટ્ટી જ્યારે પોતાના એપાર્ટમેન્ટના ત્રીજા માળે પતંગ ચગાવતો હતો. ત્યારે પતંગ કપાઈને પતરામાં ભરાઈ ગઈ હતી. જેથી પતંગ લેવા જતા પતરા તૂટતા રુદ્ર ત્રીજા માળેથી બીજા મળે પટકાયો હતો. જેના કારણે તેને ઈજા પહોંચી હતી. અત્યારે બાળકને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા યુનિવર્સિટી પોલીસને કરવામાં આવી હતી. અત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રુદ્ર અને તેના માતા-પિતાનું નિવેદન નોંધવામાં પણ આવ્યું હતું.
આમ રાજકોટ શહેરમાં માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે. ત્યારે આગામી સમયમાં જ્યારે ઉતરાયણનો તહેવાર આવવાનો બાકી છે. ત્યારે માતા-પિતા પોતાના બાળકોનું પતંગ ચગાવતા સમયે ધ્યાન રાખે તે અતિ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઉતરાયણના તહેવાર પૂર્વે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પોતાની દુકાનેથી ઘરે જઈ રહેલા ધંધાર્થીને ગળાના ભાગે જીવ લેણ દોરી વાગી હતી.
આ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ નીપજતા તેમના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આવી જ રીતે ઉત્તરાયણની દિવસો નજીક આવતા લોકો પતંગ ચગાવવા માટે આતુર બની ભાન ભૂલી જતા હોય છે. જેથી માતા-પિતાએ આ બાબતે ખાસ તકેદારી રાખવાની જરૂર જણાય છે.