નારી વંદન ઉત્સવ અંતર્ગત ભુજ ખાતે રાજયકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણીમાં ૨૯ મહિલા કર્મયોગીઓનું સન્માન તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું
નારી વંદન ઉત્સવ અંતર્ગત આજરોજ ભુજ ખાતે રાજયકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ રાજયમંત્રી કીર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્તમકાર્ય પ્રદાન કરનાર ૨૯ કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રીએ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે જેના કારણે મહિલા સશક્તિકરણ વધુ વેગવાન બન્યું છે. તેમણે મહિલાઓને સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇને રાજયના વિકાસને આગળ ધપાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ કાર્યક્રમમાં હાજર મહિલાઓને ઉદેશીને જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા શક્તિને વધુ મજબુત બનાવવા રાજયમાં અનેક યોજનાઓ અમલી કરી હતી જેના પરીણામ સ્વરૂપ રાજયની મહિલાઓ વિવિધ ક્ષેત્રે કાઠું કાઢીને સમાજ, રાજય અને દેશનું નામ રોશન કરી રહી છે. વડાપ્રધાનએ રાજયમાં જનઆંદોલન ચલાવીને દિકરીઓને જન્મનો અધિકાર અપાવ્યો છે. સમાજમાં દિકરી જન્મની પીડા અનુભવતા લોકોમાં જાગૃતતા લાવી છે. જેના કારણે જ દિકરીનો જન્મ રેશિયો વધ્યો છે. મહિલાઓને દૈવીશક્તિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ભારતની સંસ્કૃતિમાં શિવ-શક્તિની પૂજા એકસાથે થાય છે. આપણે દૈવીઓની ખાસ પૂજા કરીએ છીએ. ઇતિહાસ ગવાહ છે કે, જયારે વિશ્વમાં આસુરી શક્તિમાં વૃધ્ધિમાં થઇ છે ત્યારે તેના સંહાર માટે દેવીનું અવતરણ થયું છે.
આજના વર્તમાન સમયમાં વડાપ્રધાન તથા મુખ્યમંત્રી બંને મહિલા સશક્તિકરણ કરવા સક્રીયતાથી કામ કરી રહ્યા છે ત્યારે તેમણે દિકરીઓને વધુમાં વધુ શિક્ષણ લેવા પર ભાર મુકયો હતો. તેમજ માતાઓને દિકરીને શિક્ષણ અપાવવા અપીલ કરી હતી. એક દિકરી બે ઘર તારે એવું જણાવતા તેમણે કહ્યું હતું કે, રાજય અને દેશને મજબુત અને પ્રગતિશીલ કરવા હશે તો સ્ત્રીશિક્ષણ અનિવાર્ય છે. તેમણે ભારતના નવનિયુકત માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂને લોકતંત્ર અને મહિલા શક્તિનું ઉદાહરણ ગણાવીને મહિલાઓને સક્રીયપણે વિવિધ ક્ષેત્રે ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. તેમણે વિવિધ પરીક્ષાઓમાં ઉચ્ચક્રમાંક મેળવીને શિક્ષણની તાકાત બતાવતી દિકરીઓને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં અંજાર ધારાસભ્ય તેમજ પૂર્વ રાજયમંત્રી વાસણભાઇ આહિરે માતૃશક્તિને વંદન કરતા જણાવ્યું હતું કે, નારી ઉત્કર્ષથી દેશનો વિકાસ થાય છે. આપણી સંસ્કૃતિમાં નારીનું સન્માન પ્રથમ છે ત્યારે વર્તમાન સરકાર નારીઓના કલ્યાણ અને તેના વિકાસ માટે સક્રીયપણે કાર્યરત છે. મહિલાશક્તિને પુરૂષ સમોવડી ગણાવીને તેમણે મહિલાઓને શિક્ષણ થકી સર્વાંગી વિકાસ સાધી દેશના વિકાસમાં સક્રીય ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ, પોલીસની “શી” ટીમ, રાજકીય, બાલિકા પંચાયત, મહિલાને આત્મનિર્ભર બનાવવા, સમાજસેવા વગેરે ક્ષેત્રમાં યોગદાન આપનાર ૨૯ મહિલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.