Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વધતા જતા કોરોનાને લઈ થશે ચર્ચા

આજે પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે પ્રધાનોને ખાતાની ફાળવણી કરાયા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ પ્રથમ બેઠક રહેશે જેમાં સરકાર પોતાના પ્રથમ 100 દિવસના કાર્યોનો રોડમેપ તૈયાર કરશે. સાથે જ કોરોનાની દહેશત અને નવા વેરિઅન્ટને લઈ ચર્ચા થશે. તો કેબિનેટમાં પ્રધાનો પોતાના વિભાગની યોજનાઓ અંગે ચર્ચા કરશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. ખાસ કરીને આરોગ્ય અને ગૃહ વિભાગના કાર્યોની ચર્ચાને પ્રાથમિકતા અપાય તેવી શક્યતા છે.

વધતા કોરોનાના સંક્રમણને પગલે સરકાર એલર્ટ

ચીન સહિત અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધતાં ભારત સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોની સરકારને પત્ર લખી નિર્દેશ જાહેર કર્યો છે. કોરોનાના નવા કેસના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચન કર્યા છે અને કોરોનાના નવા વેરિઅન્ટ પર નજર રાખવા આદેશ કર્યા છે, ત્યારે કેન્દ્ર સરકારના આદેશ બાદ કોરોનાની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા માટે ગુજરાતમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી. વેક્સિનેશન અને કોરોનાના સંક્રમણને અત્યારથી કાબૂમાં લેવા ચર્ચા કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, કોરોના- ઓમિક્રોનના BF.7 વેરિયન્ટનો હાલ ગુજરાતમા એક પણ એક્ટિવ કેસ નથી. જેની વધુ વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF.7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. પરંતુ હાલ એક પણ કેસ એક્ટિવ નથી.