સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સમયમાં આવી રહેલો ઉતરાયણનો તહેવાર ગત વર્ષની સરખામણીએ સસ્તો રહેશે અને લોકોના ખિસ્સા પર ઓછો ભાર નાંખશે. તેની પાછળના કારણો વિશે વાત કરીએ તો વેપારીઓ ચૂંટણીથી માંડીને કોરોનાના સંભવિત ખતરાને જણાવી રહ્યા છે. ગુજરાતમાં 14 અને 15 જાન્યુઆરીના દિવસે ઉતરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતીઓમાં નવરાત્રિ બાદ ઉતરાયણના તહેવારને સહુથી પ્રિય તહેવાર માનવામાં આવે છે. ત્યારે આ વખતે મોંઘવારીમાં પણ ઉતરાયણનો તહેવાર ગુજરાતીઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે.
કારણ કે વર્તમાન સમયમાં બજારોમાં પતંગ અને દોરીના ભાવોમાં ગત વર્ષ કરતાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારોમાં પતંગ અને દોરી ખરીદવા માટે આવી રહેલા પતંગરસિકો પણ પતંગ અને દોરીના ભાવોમાં થયેલા ઘટાડાને પગલે ખુશ જોવા મળી રહ્યા છે. ગત વર્ષની તુલનામાં પતંગોના ભાવોમાં વીસથી પચ્ચીસ ટકાનો ઘટાડો થયો છે, તો દોરીના ભાવોમાં પંદરથી વીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. દરેક ચીજવસ્તુઓના ભાવો વધી ગયા છે, ત્યારે પતંગ અને દોરીના ભાવોમાં કેમ ઘટાડો જોવા મળી રહ્યો છે? તે અંગે વેપારીઓનો સંપર્ક કરતાં વેપારીઓએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલાં જ વેપારીઓએ ઉતરાયણને લઈ પતંગ અને દોરીનો મોટો સ્ટોક કરી દીધો હતો.
પરંતુ ગુજરાતમાં દિવાળી બાદ વિધાનસભાની ચૂંટણી આવી જતાં જોઈએ તેટલું વેચાણ થયું નથી અને તેના લીધે બજારમાં પતંગ અને દોરીનો સ્ટોક મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત ચીનમાં વકરેલા કોરોનાને પગલે ગુજરાતમાં વેપારીઓને ઉતરાયણ સમયે લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વેપારીઓએ જેમ બને તેમ માલ ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેના લીધે ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પતંગ અને દોરીના ભાવોમાં થયેલા ઘટાડા પાછળ પણ કોરોના જવાબદાર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે આસમાને પહોંચેલી મોંઘવારીએ વચ્ચે આ વખતે ઉતરાયણના તહેવાર પર કોરોનાના લીધે પતંગરસિકોના ખિસ્સા પર ભાર ઓછો પડશે તે વાત તો વર્તમાન સમયમાં વેપારીઓ જણાવી રહ્યા છે તે જોતાં નક્કી છે.