સુરત (Surat ): આપઘાત પેહલા નેટ પર પોસ્ટ મુકતા ઘણા લોકોનો જીવ બચાવી લેવાય છે. અંકલેશ્વરની વતની અને સિવિલ સ્થિત ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ તેના વ્હોટ્સએપ સ્ટેટસમાં પંખા સાથે દોરડું બાંધેલો’ ફોટો મૂક્યો હતો. ગણતરીના બે-ત્રણ જણાને દેખાય એ રીતે તેણે એ સ્ટેટસમાં સેટિંગ કર્યું હતું.
દેહરાદૂનમાં રહેતા મિત્રએ સ્ટેટસ જોઇ તેને ફોન કર્યો હતો.વિદ્યાર્થિનીની સાથેની વાતચીત બાદ તેણીએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હોવાનું અંદાજો આવી ગયો હતો. જેથી મિત્રએ જરા પણ વિલંબ કર્યા વિના કોલ કટ થતાની સાથે સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં આ મામલે જાણ કરી હતી.
મોડી રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પોલીસની દોડાદોડી જોઈ બીજી વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ ચોંકી ઊઠ્યો હતો. હોસ્ટેલની રૂમમાં એક વિદ્યાર્થિની આત્મહત્યા કરનાર હોવાનું સાંભળી અહીંના કર્મચારીઓના હોશ ઊડી ગયા હતા.
મળતી વિગતો મુજબ જાણવા મળ્યું છે કે ,હાલ વિદ્યાર્થિનીની પરીક્ષા ચાલી રહી છે. પેપર ખરાબ ગયા હોઇ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેને લીધે આત્મહત્યા કરવા વિચારી રહી હતી. જો કે, પોલીસની સમજાવટ બાદ તેણીએ દરવાજા ખોલતા રાહત અનુભવી હતી. વિદ્યાર્થિનીનાંમાં તા-પિતાને જાણ કરતા તેઓ પણ હોસ્ટેલ દોડી આવ્યાં હતાં.