બારડોલી : બારડોલી તાલુકાનાં બાબેન ગામે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે SRP ગૃપ, વાવ દ્વારા મહિલા બેન્ડના તાલે પોલીસ જવાનો સાથે મશાલ યાત્રા કાઢવામાં આવી હતી
SRP ( સ્ટેટ રિઝર્વ પોલીસ) નું નામ આવે એટલે સામાન્ય લોકોમાં એવી છાપ હોય છે કે કોઈ જગ્યા ધમાલ કે બંદોબસ્ત હશે એટલે SRP જવાનો આવ્યા હશે. પરંતુ આજે સવારે બારડોલી તાલુકાના બાબેન ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે SRP જવાનો ભરેલી ગાડીઓ આવી પહોંચી હતી અને એક પછી એક પોલીસ જવાનો ઉપરાંત મહિલા પોલીસ પણ ઉતરતા લોકો અચંબો પામ્યા હતા. જ્યારે મહિલાઓએ એકસુર અને એક રાગીતા સાથે બેન્ડ વગાડતા લોકો દંગ રહી ગયા હતા. સાથે SRP ગૃપ 11 વાવનાં DYSP શૈલેષભાઇ આચાર્યની આગેવાનીમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણતાને આરે આવતા મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં SRP જવાનો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. પોલીસ બેન્ડ સાથે મશાલ યાત્રા બાબેન ગામે આવેલ તળાવ કિનારે અવધ લેક પેલેસ વિસ્તારમાં ફરતાં લોકો આશ્ચર્ય ચકિત નજરે જોતા રહી ગયા હતા.