મુંબઇ : પરિણીતાએ લગ્ન કરવાનું નકારતા ભડકેલા પ્રેમીએ તેના સવા વર્ષના પુત્રને ઉકળતા પાણીમાં નાંખી દીધો હતો.

મુંબઇ :  પુણેમાં એક પરિણીતાએ લગ્ન કરવાનું નકારતા ભડકેલા પ્રેમીએ તેના સવા વર્ષના પુત્રને ઉકળતા પાણીમાં નાંખી દીધો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા બાળકનું બે અઠવાડિયાની સારવાર બાદ મોત થયું હતું. આ ઘટના બાદ પ્રેમી ફરાર થઇ ગયો હતો પણ પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ નરાધમને તાજેતરમાં પકડી પાડયો હતો.

એકતરફી પ્રેમમાં હેવાન બની ગયેલો ૨૩ વર્ષનો યુવાન શરદ કોળેકર  ગુનો આચર્યા બાદ તે પ્રથમ મુંબઇ ભાગી છૂટયો હતો અને ત્યાંથી અન્ય સ્થળે ભાગી છૂટવાની ફિરાકમાં હતો પણ પોલીસે તેને ઝડપી લીધો હતો. આ પ્રકરણે એક મહિલાએ ચાકણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર આરોપી શરદે એક સગીરા સાથે લગ્ન કર્યા હતા અને આ બાબતે તેની સામે ગુનો પણ નોંધાયેલો છે. શરદને એક બાળક પણ છે. ફરિયાદી મહિલા ઓર્કેસ્ટ્રામાં કામ કરે છે. અહીંજ ફરિયાદી અને આરોપીની મુલાકાત થઇ હતી. ફરિયાદી મહિલાને એક સવા વર્ષનો પુત્ર પણ છે અને તે તેની એક દૂરની બહેન સાથે રહે છે.

થોડા સમયથી આરોપી પણ ફરિયાદી મહિલાના ઘરમાં જ રહેતો હતો. દરમ્યાન શરદે મહિલા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે મહિલાએ શરદ સાથે લગ્ન કરવાનું નકાર્યું હતું. આ વાતથી ભડકેલા આરોપીએ ૬ એપ્રિલના રોજ ફરિયાદી મહિલાના સવા વર્ષના પુત્રના હાથ પગ પકડી તેને ઉકળતા પાણીના એક પાત્રમાં નાંખી દીધો હતો. આ ઘટનાને લીધે બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. લગભગ બે અઠવાડિયાની સારવાર બાદ ૧૮ એપ્રિલના તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના ફરિયાદીની દૂરની બહેન સામે બની હતી. તેણે વિરોધ કરતા આરોપીએ તેનું ગળું દાબી તેને પણ જાનથી મારી નાંખવાનો પ્રયત્ન  કર્યો હતો. આ પ્રકરણે ચાકણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચે પણ આરંભી હતી. આ ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.

તેને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચે  યુનિટ-ત્રણે બે ટીમ બનાવી હતી. અંતે આ ટીમે જોરદાર તપાસ આદરી ખેડ તાલુકાના બહુળ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડયો હતો.