શિયાળાનું આ અમૃત પીણું પીવા માટે તૂટી પડે છે લોકો, જાણો શું છે ફાયદો

શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તન અને મનની ચૂસ્તિ-સ્ફ્રૂતિ માટે નવસારીના નગરજનોએ અનેક પ્રકારના આયોજનો ચાલુ કરી દીધા છે. શિયાળાની ઋતુમાં વર્ષભરની ચુસ્ત તંદુરસ્તી મેળવી લેવા નગરજનો કસરતો, સ્વાસ્થ્યપ્રદ, શાકભાજીના જ્યુસ, રમત-ગમત જેવી પ્રવૃત્તિઓમાં જોડાયા છે. જેમાં સ્વાસ્થ્યપ્રેમીઓ નિરોગી રહેવા નિરો પીવે છે. શિયાળામાં શરીરને સ્વસ્થ બનાવવા નિરો એક ઉત્તમ પ્રકારનું સ્વાસ્થ્યવર્ધક પીણું છે અને આ પીણું નવેમ્બરથી ચાલુ થાયને શિયાળો પૂરો થાય ત્યાં સુધી મળે છે. નવસારી જીલ્લામાં વહેલી સવારથી જ લોકો નીરો પીવા લાઈનોમાં ઉભા રહે છે.

ખાસ કરીને ઓક્ટોબરથી એપ્રિલ સુધી નીરોનું વેચાણ થાય છે. અત્યારે શિયાળાની ઠંડી ચાલુ થઇ જતા ગામડેથી નિરો લાવી નવસારી શહેરમાં દરરોજ 4 જેટલાં કેન્દ્રો પર 600 લિટર નીરોનુ વેચાણ થઇ રહ્યુ છે. એટલે કે નવસારી શહેરમા દરરોજના આશરે 3 હજાર લોકો આરોગ્ય વર્ધક નિરો નું સેવન કરે છે. વહેલી સવારે મોર્નિંગ વોક કે ફ્રેશ થવા નિકળેલા નગરજનો રસ્તે જતા નીરોનો ગ્લાસ ગટગટાવી જાય છે.

નિરાનો વ્યાપાર કરવા માટે નશાબંધી અને આબકરી વિભાગ માંથી પહેલા તો તેમાટે લાઇસન્સ લેવું ફરજીયાત છે. ત્યાર પછી જ નિરો પીવા પહેલા તેની પાછળ મોટી પ્રક્રિયા હોય છે. તાડ અને ખજૂરના ઝાડમાંથી નીરો બનાવાય છે અને આ ઝાડની ઉપરના ભાગ પર માટલું બાંધવામાં આવે છે, આ ભરાયેલ માટલું ઉતાર્યા બાદ નીરોનું વેચાણ થાય છે. મહત્વનું છે કે નીરો ઉત્પાદન કરનાર કારીગરોને ₹22 લીટર આપવામાં આવે છે જ્યારે આ જ નિરો વેચાણ માટે જાય ત્યારે આશરે ₹50 લીટર ના ભાવ થી આ નીરો નું વેચાણ થાય છે.

કુદરતી આરોગ્ય વર્ધક નીરો અને તાળીના તફાવત જોઈએ તો તાળી એકપ્રકારનું ટેવ પાડનારું નશાયુક્ત પીણું છે. કેટલાક લોકો હજી એવું જ સમજી રહ્યા છે કે નીરો બોટલમાં ભરીને રાખી મૂકવાથી જ સાંજ સુધીમાં તાળી બની જાય છે. પરંતુ તાળી એક કુદરતી પીણું નથી એ તાજા રસ નીરાને આથો ચડાવી આલ્કોહોલ યુક્ત પીણું થાય છે. જેમાં કોઈ પોષક તત્વો રહેતા નથી. અને તેની બનાવવાની રીત પણ અલગ છે જ્યારે નીરો એ કુદરતી રીતે ઝાડ માંથી કાઢીને આપવામાં આવે છે. ખાસ કરીને તાળી એ નશાકારક વસ્તુ માનવામાં આવે છે. જેથી નીરો અને તારી એક જ છે આ માનવાની ધારણા ખોટી છે.

નીરો મૂળ તો ગરમ પ્રકૃતિનો ગણાય છે. આથી જે લોકોની તાસીર ગરમ હોય, પિત્ત પ્રકૃતિ ધરાવતા હોય તેઓએ નીરોનો ઉપયોગ ન કરવો જોઇએ. હરસ, મસા, એસીડીટી વિ. જેવા ગરમીજન્ય રોગોના દર્દીઓએ પણ નીરોનો ઉપયોગ ટાળવો જોઇએ. પણ જે લોકો શારીરિક રીતે નર્બિળ હોય, શરીરમાં ચૂસ્તી-સ્ફૂર્તિ‌નો અભાવ હોય તેવા લોકોને નીરો ફાયદો કરે છે. નીરોમાં ફોસ્ફરસ, લોહત્તવ, સ્યુગરનો ભંડાર હોય છે. આથી તેના ઉપયોગથી મંદાગ્નિ‌, શારીરિક નબળાઇ, લોકીની ઉણપ, નેત્ર રોગ, જાતિય નર્બિળતા જેવા અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. બહુમૂત્ર, મૂત્રદાહ, મૂત્રવિકાર, પથરી તથા કિડનીના રોગોમાં નીરો અકસીર ઔષધ ગણાય છે.