અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. પ્રહલાદ મોદી કર્ણાટકના બાંદીપુરથી મૈસુર જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સિવાય પ્રહલાદ, તેમનો પુત્ર, પુત્રવધૂ અને એક બાળક હતા. આ અકસ્માતમાં પ્રહલાદ મોદીને સામાન્ય ઈજા થઈ છે અને તેમને જેજેએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહલાદ મોદી પોતાની કારથી બેંગલુરુથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા.
મર્સિડીઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહલાદ મોદીનાં દીકરા, પુત્રવધૂ અને પૌત્ર પણ તેમની સાથે હતાં. આ ઘટનામાં પ્રહલાદ મોદી, તેમનાં પુત્રવધૂ અને પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કડાકોલા નજીક બપોરે 1.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બાંદીપુર જઈ રહેલી કાર રસ્તા પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી.
મૈસુરના પોલીસ અધિક્ષક સીમા લટકરે ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રહલાદ મોદી ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ છે અને તેઓ આ અગાઉ રાશન સ્ટોર ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે પ્રહલાદ મોદી ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ અને કેરોસિન લાઇસન્સહોલ્ડર એસોસિયેશનના અધ્યક્ષ છે. મધ્યપ્રદેશમાં બૈતુલ જિલ્લામાં એક સામાજિક કાર્યક્રમમાં સામેલ પ્રહલાદ મોદીએ પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં મફતની લાલચ આપનારા લોકો આવે છે અને ચાલ્યા જાય છે.
ગુજરાતની જનતાએ એ લોકોને કહ્યું છે કે ગુજરાત લેનાર નથી, પણ આપનાર છે, એટલે ગુજરાતમાં જે પરિણામો આવ્યાં છે, જે તમને જાણ છે. પ્રહલાદ મોદીની દીકરી સોનલ મોદીએ ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારી બે ગાડીને અકસ્માત થયો છે. મૈસૂર પાસે અકસ્માત થયો છે. બધાની તબિયત સારી છે. હાલ ત્રણેય લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. પુત્રવધૂને આંખ અને દાઢી પાસે વાગ્યું છે. મારા ભાઈને આંખના ભાગે વાગ્યું છે. મારા પપ્પાની તબિયત સારી છે.
PM મોદીજી અંગે અગાઉ તેઓને પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે એક પરીવાર તરીકે હું ખુબ આનંદ અનુભવુ છું. 1970માં તેઓએ સર્વસ્વ છોડી દીધું અને દૂર ચાલ્યા ગયા. હવે તે દેશના પુત્ર છે. તે દરેક દેશવાસીના રક્ષક છે. તેઓ એક ગરીબ પરીવારમાંથી આવે છે અને હવે તમે જોઇ શકો છો તે શું કરી રહ્યા છે. તેઓ આજે દરેક ભારતીયને ગર્વ અપાવી રહ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે આપણા દેશના વડાપ્રધાનની અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા આ રીતે પ્રશંસા કરવામાં આવી હોય. મોદીજીએ માત્ર આપણને જ નહીં પરંતુ ભારતને ગૌરવ અપાવ્યું છે.