ભાવનગર (Bhavnagar ):દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો બાબા અમરનાથના દર્શને જતાં હોય છે. આ વર્ષે પણ દર્શન માટે આઠ લાખ જેટલાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એમાં ભાવનગરથી અમરનાથની યાત્રાએ ખાનગી બસ દ્વારા યાત્રામાં ગયેલ સિદસરની એક મહિલાને અમરનાથના ગુફામાં દર્શન કર્યા બાદ બહાર નિકળતા જ હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નીપજ્યુ હતું.
ભાવનગર શહેરના સીદસરના મેઘાનગરમાં રહેતા શિલ્પાબેન નરેશભાઇ ડાંખરા (ઉ.વ.44) પોતાના સંબંધીઓ તેમજ ફઇબા સાથે આશરે 11 દિ પેલા ભાવનગરથી અમરનાથ ખાતે યાત્રા કરવા ગયા હતા.જ્યારે શિલ્પાબેન તેના પરિવારમાંથી એક જ વ્યક્તિ અમનાથ યાત્રાએ ગયા હતા. શિલ્પાબેને સંતાનમાં 21 વર્ષીય દિકરો ઓમ છે.
બે દિવસ પહેલા વાતાવરણ ખરાબ હોવાથી બે દિવસ યાત્રા રોકાઇ હતી બાદમાં યાત્રા પુન: શરૂ થયા બાદ શિલ્પાબેન ડાંખરા ગત તા. 11-7-23ના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં બાબા અમરનાથના દર્શન કર્યા બાદ પરત નીચે ઉતરતા હતા તે વેળાએ ગુફાની બહાર જ પાતળી હવાના કારણે તેમને હાર્ટ એટેક આવતા સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત નિપજવા પામ્યું હતું.શિલ્પાબેનનું અચાનક મૃત્યું નિપજતાં સાથે ગયેલા શ્રદ્ધાળુઓ તેમજ પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
મૃતક શિલ્પાબેનને પોતાના વતન ભાવનગર ખાતે પ્લેન મારફતે લાવવામાં આવશે તેમ તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.