બારડોલી: સુરત જિલ્લા એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે છેલ્લા દસ વર્ષથી પાસા વોરંટની બજવણી ટાળી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે પલસાણા તાલુકાનાં કરણ ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી ઝડપી લીધો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સુરત ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોડે અલગ અલગ ટીમ બનાવી રાજ્યમાં વિવિધ જેલોમાંથી પેરોલ રજા, વચગાળાની રજા, જાપ્તાથી ફરાર થયેલ આરોપીઓની તપાસ કરી ઝડપી પાડવા માટે ચોક્કસ દિશામાં વર્કઆઉટ શરૂ કર્યું હતું. પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વર્ષ 2012ના વર્ષથી નાસતો ફરતો પાસા અટકાયતી આરોપી કમલ માણેકચંદ કોળી ( મૂળ રહે બાંક, જવાહર ટેકરી, ધામરોડ થાના, છત્રીપુર જી. ઈન્દોર, મધ્યપ્રદેશ ) હાલ ગુજરાતમાં આવેલો છે અને કરણ ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો. આ આરોપી છેલ્લા દસ વર્ષથી પાસા વોરંટની બજવણી ટાળી નાસતો ફરતો હતો. પોલીસે તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.