સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતાની કામગીરી યોગ્ય રીતે થાય અને લોકો જાહેરમાં કચરો નહી ફેંકે તે માટે સીસી કેમેરા નો ઉપયોગ શરુ કર્યો છે.
પરંતુ પાલિકાની આ ત્રીજી આંખ દંડ કરવામાં ભેદભાવ રાખી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યાં છે. દુકાનદાર કચરો નાખે તો તેને દંડ કરવામાં આવે છે પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ કચરો નાંખે તો તેમની સામે કોઈ નક્કર કામગીરી થતી નથી.
સુરતના ચૌટા બજાર કે આસપાસના કોટ વિસ્તારમાં પાલિકાનો વેરો, સરકારના વિવિધ વેરા ભરીને ધંધો કરતા વેપારીઓ જો કચરો નાખે તો પાલિકાના કર્મચારીઓ કે સીસીટીવી ની મદદથી તેઓને દંડ કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ ગેરકાયદે દબાણ કરનારાઓ આખો દિવસ પાલિકાના રોડ અને ફુટપાથ પર ગેરકાયદે કબ્જો કરે છે અને કોઈ પ્રકારના વેરા ભરતા નથી તેવા માથાભારે તત્વો કચરો ફેંકે તો તેની સામે કોઈ કામગીરી થતી નથી.
આવા લોકો કચરો ફેંકે અને પાલિકા દંડ વસુલવાની કામગીરી કરે તો પ્રતિકાર થાય છે અને ઘર્ષણ થતું હોવાથી પાલિકા તંત્ર દંડ વસુલતી નથી. બીજી તરફ કોઈ પ્રકારનું ઘર્ષણ નહી કરી કાયદેસર વેપાર ધંધો કરતા લોકોને પાલિકા બહાદુર બનીને દંડ ફટકારે છે તે નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.