સાપુતારા ફરવા ગયેલા અંકલેશ્વરની કંપનીના કર્મચારીઓની કાર ડિવાઈડર સાથે અથડાતા કારનો કૂરચો બોલી ગયો , 2 મિત્રોના મોત, 2ને ઈજા

નવસારી (Navsari ):અત્યારે અકસ્માતના બનાવ છાસવારે  જોવા મળે છે .નવસારી જિલ્લાના વાસદા વગઈ માર્ગ પર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.મળતી જાણકારી મુજબ ,વાંસદા તાલુકાના ચારણવાડા ગામ નજીક કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી.

કારની સ્પીડ એટલી હતી કે, અકસ્માતમાં કારના કૂરચેકૂરચા નીકળી ગયા હતા.કારમાં સવાર ચાર યુવાનો અંકલેશ્વરની ઓમ એન. ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ચારેય મિત્રો સાપુતારા ફરવા નીકળ્યા હતા. વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

અકસ્માતમાં પાર્થ વજુ ડોબરીયા (24) વિકેન રાકેશ ખાંટ (22) યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે યુવાનો નીરજ પ્રકાશ ડોબરીયા (22) હર્ષિલ કાનજી ઠુમ્મર નામના યુવાનો ઘાયલ થતાં સારવાર અર્થે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.