સુરત (Surat):હાલમાં અમરનાથની યાત્રા શરૂ થઇ ગઈ છે અને દર વર્ષે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ દર્શન કરવા જતા હોય છે. જોકે, હાલમાં અમરનાથની ચાલુ યાત્રામાં ખરાબ વાતાવરણ સર્જાયું છે. જેને લઈને યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ફસાયા છે.
ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરા અને સુરતના યાત્રાળુઓ અધવચ્ચે ખરાબ વાતાવરણને કારણે ફસાયા છે. સુરતના 10 યાત્રાળુઓ ટેન્ટમાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયા છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા થંભાવી દેવામાં આવી છે. ત્યારે યાત્રામાં ઉપર પહોંચેલા યાત્રાળુઓને ટેન્ટમાં રોકી દેવામાં આવ્યા છે.
સુરતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં અમરનાથ યાત્રાએ શ્રદ્ધાળુઓ જાય છે. ત્યારે હાલ અમરનાથમાં ખરાબ વાતાવરણમાં વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુઓ યાત્રામાં અધવચ્ચે ફસાયા છે. બરફ અને વરસાદ પડવાને કારણે તેઓના કપડાં, ગાદલાં અને ગોદડાં પણ પલળી ગયાં છે. ત્યારે યાત્રાળુએ વીડિયો બનાવી તેઓને ત્યાંથી બહાર કાઢવા ગુજરાત સરકારને આજીજી કરી છે.સુરતના યાત્રાળુઓ જણાવી રહ્યા છે કે ફસાયેલા યાત્રામાં 20 વડોદરાના છે અને 10 સુરતના છે. જેમાંથી એક 14 વર્ષની છોકરી પણ છે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ખૂબ જ ઠંડી લાગવાને કારણે અને ગરમ વસ્તુઓ પલળવાથી યાત્રામાં આવેલી મહિલાઓ પણ બીમાર પડવા લાગી છે.
આ અંગે સુરતના મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે ફસાયેલા યાત્રી અંગેની અમને માહિતી મળી છે. અમે સ્થાનિક તંત્ર સાથે સંપર્ક પણ કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા પણ સતત અમરનાથના સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરીને માહિતી મેળવી રહ્યું છે. ખૂબ જ ઝડપથી ત્યાનું સ્થાનિક વહીવટીતંત્ર તમામને બહાર કાઢવા માટે મદદ કરી રહ્યું છે.